Sep 302011
 

પ્રિય મિત્રો,

સરખામણી લેખમાળાના પાંચમાં લેખમાં આપણે ચર્ચા કરીશું કે બ્લૉગ કે સાહિત્યની પરબ?

બ્લૉગ શબ્દનો અર્થ આપણને ખબર છે તે વેબલોગને ટૂંકાવીને બન્યો છે. વેબ એટલે ઈન્ટરનેટનું જાળું અને લૉગ એટલે પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ. તેવી જ રીતે આપણને ખબર છે કે પરબ એટલે વટેમાર્ગુ માટે મફત પાણીની વ્યવસ્થા, સેવાનું કાર્ય. શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે જે મનુષ્ય વૈશાખ મહિનામાં પરબ લગાવે છે તે વિષ્ણુલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

બ્લૉગ જગતના કેટલાક બ્લૉગ પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધને બદલે એક નવી ઓળખ સાહિત્યની પરબ મેળવી છે તે ખરેખર સરાહનીય કાર્ય છે. મુંબઈવાળા માવજીભાઈ પોતાની વેબસાઈટને પરબ ગણાવતાં કહે છે કે ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે અને તેમની આ વાત સો ટકા સાચી છે. પાણીની પરબ જેમ વટેમાર્ગુને મફત પાણી પીવડાવીને તૃષા તૃપ્તિ કરે છે તેમ બ્લૉગર બ્લૉગ દ્વારા વાચકને મફત સાહિત્ય રસનું પાન કરાવીને જ્ઞાન પિપાષા તૃપ્ત કરાવે છે.

ગુજરાતી બ્લૉગ જગતના શરુઆતના વર્ષોમાં મોટાભાગના બ્લૉગ સાહિત્ય રસનું પાન કરાવતી પરબ સમાન જ હતા, બહુ જ ઓછા બ્લૉગ હતા જે બ્લૉગના ખરા અર્થને અનુસરતા હતા, જેમાંથી એક નોંધનીય/અનુકરણીય બ્લૉગ કાર્તિકભાઈનો બ્લૉગ કહી શકાય.

વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે જાણીતી વ્યક્તિઓના બ્લૉગ પ્રસિદ્ધીની ઊંચાઈઓ આંબવા લાગ્યા. લોકોને બ્લૉગની સમજ પડવા લાગી કે બ્લોગ પર પોસ્ટ મૂકવી ઈમેઈલ કરવા જેટલી સરળ બાબત છે. પોતાના આકાર અને સાઈઝના પ્રાણીઓને બ્લૉગિંગ કરતા જોઈને કેટલીક ઘેટા પ્રકૃતિની વ્યક્તિઓ, જેમને ગુજરાતીમાં પોતાનું નામ લખતાં આવડતું નહોતું તેઓ દેખાદેખીમાં પોતાનો બ્લૉગ બનાવીને બેસી ગઈ! બ્લૉગ બનાવ્યો તેનો વાંધો નહીં પણ ગુજરાતી લખતાં/પોતાના વિચાર વ્યક્ત કરતાં/પોતાના અનુભવ શેર કરતાં શીખવાને બદલે અન્ય સમૃદ્ધ બ્લૉગ પરથી લખાણ કૉપી કરી પોતાના બ્લૉગ પર પેસ્ટ કરી કૉમેન્ટ ઊઘરાવવા લાગી ગઈ. એટલું જ નહીં આ કાર્યને ગુજરાતીની સેવા ગણાવા લાગી અને બ્લૉગને સાહિત્યની પરબ!

બ્લૉગ અને પરબ સમાન અર્થ ધરાવે છે પણ ફરક ત્યારે પડ્યો જ્યારે તેમાં સ્વાર્થ ઉમેરાયો. પરબપરમાર્થનો બીજો અર્થ છે પણ કેટલાક લોકો તેને સ્વાર્થ સાથે જોડવા લાગ્યા: મારો બ્લૉગ (પરબ), મારા વાચકો (વટેમાર્ગુ) જેવા શબ્દો ઉછાળીને પરબને દુકાન બનાવી દીધી! પીવાના પાણીની સમસ્યા હોવા છતાં પાણી પીવડાવીને પૂણ્ય કમાવવું છે એટલે ગમે તે ભોગે પાણી મેળવવા લાગ્યા. ગમે તેવું પાણી પરબમાં ઠાલવવા લાગ્યા. ‘પોતાની’ પરબમાં પાણી ખૂટી જાય એટલે અન્ય સમૃદ્ધ પરબમાંથી બાલદીઓ ભરી પાણી લાવવા લાગી ગયા. રંગે (એટલે કે ભીને) હાથે પકડાય તો પણ તેમની પાસે જવાબ હાજર જ હોય: સેવાનું કાર્ય કરી રહ્યા છીએ! સેવા/પરમાર્થ કરનારને પોતાની પરબમાંથી જ વટેમાર્ગુ પાણી પીએ એવો મોહ શા માટે? પોતાની પરબમાં પાણીની સમસ્યા હોય ત્યારે વટેમાર્ગુને અન્ય પરબ પર વાળી જ શકાય છે. બ્લૉગની પરબ વર્ચ્યુઅલ છે અને બ્લૉગની એક પરબ બીજી પરબથી ફક્ત એક ક્લિકને અંતરે છે!

પરબ અને બ્લૉગ અલગ હોવાનું બીજું અને મહત્વનું કારણ: પાણી એ ભૌગોલિક સંપતિ છે, કુદરતી સંપતિ છે, સાર્વજનિક સંપતિ છે. બ્લૉગ અને તેના પર રજુ થયેલો વિચાર એ બૌધિક સંપતિ છે, ખાનગી સંપતિ છે, મૌલિક સંપતિ છે. દરેક વિચાર ‘યુનિક’ હોય છે. કોઈ બે વ્યક્તિના વિચાર ક્યારેય એક સરખા હોતા નથી. એક હાસ્ય અને બીજા વિચાર જ મનુષ્યોને પ્રાણીઓથી અલગ પાડે છે.

મિત્રો, બ્લૉગ એ ઘણી બધી શક્યતાઓ ધરાવનું સશક્ત માધ્યમ છે. બ્લૉગ પરથી લીધેલા લેખ/કવિતા/માહિતી જ્યારે વર્તમાન પત્રમાં કે પુસ્તકોમાં છપાય છે ત્યારે બ્લૉગ કેટલું ચડિયાતું માધ્યમ છે તેની ખાત્રી થાય છે. ન્યુઝ એજન્સીઓના સમાચારનું ગુજરાતી ભાષાંતર કરવામાં ઊંચા ન આવતા અખબાર પત્રો કે ટી.આર.પી. રેટીંગ વધારવાની ખટપટમાંથી ઊંચી ન આવતી ટીવી ચેનલો જ્યારે સાચા, ઓથેન્ટિક અને ફર્સ્ટહેન્ડ સમાચાર સમયસર આપતાં ચૂકી જાય છે અને એક બ્લૉગર તેમાં સફળ થાય છે ત્યારે બ્લૉગની મહત્તા સમજાય છે. એક જાણીતું વાક્ય પેન ઈઝ માઈટર ધેન સ્વોર્ડને આજના સંદર્ભમા અપડેટ કરી ફરી લખવું હોય તો એમ કહી શકાય કે બ્લૉગ ઈઝ માઈટર ધેન મિસાઈલ.

બાકી ચોરેલું પાણી પરબમાં રેડીને પુણ્ય કમાવવાની ઈચ્છા રાખનારને વિષ્ણુલોકમાં સ્થાન તો શું વિષ્ણુલોકની બહાર રિસેપ્શન એરિયામાં (પાણીના ગ્લાસ લઈને ફરતા) પટાવાળાની ટેમ્પરરી નોકરી પણ મળે કે કેમ તેની મને શંકા છે, તમારું શું કહેવું છે?

વિશેષ વાંચન:

હવે પછીની પોસ્ટ: સરખામણી: સ્ત્રોત, સંદર્ભ કે સૌજન્ય?

  16 Responses to “સરખામણી: બ્લૉગ કે (સાહિત્યની) પરબ?”

 1. નમન..વિનય ભાઈ..આપનો આ પ્રસ્તુત લેખ ઘણું બધું કહી જાય છે..સમજને વાલેકો ઈશારા હી કાફી હૈ…આપ મૌલિક વિચારો વાળા લખાણને પ્રાધાન્ય આપોછો એ જાણી આનંદ થયો અને તો જ એને સાચા અર્થમાં પરબ કહી શકાય એવું મારું અંગત રીતે ય માનવું છે..અને આવું લખાણ નેચરલ જ હોય છે…ધન્યવાદ આપને…મને અત્રે સામેલ કરવા બદલ.

 2. વિનયભાઈ,

  એ વાતમાં તો કોઈ શંકા નથી જ કે: બ્લોગ માત્ર વાર્તા, કવિતા, ગઝલ કે અન્ય સાહિત્યિક રચનાઓ રજૂ કરવાનું માધ્યમ નથી. મોટાભાગે એવું માની લેવાયું હોય તે જુદી વાત છે.

  કોઈ ડોક્ટર પોતાના ક્ષેત્રની વાતો અસરકારક રીતે રજૂ કરી શકે છે. કોઈ શિક્ષક્ પોતાના અનુભવો રસપ્રદ રીતે રજૂ કરી શકે છે. કોઈ પત્રકાર વળી અલગ જ વાતો મૂકી શકે છે. અરે! એ બધાં તો ઠીક, એક પાનનો ગલ્લો ધરાવનાર પણ પોતાની મન ગમતી વાતો જણાવી શકે છે. હા, સહુની રજૂઆત અન્યને રસ પડે તેવી હોય.

  એવું પણ બની શકે કે, એક પ્રખર સાહિત્યકાર એક સફળ બ્લોગર ન બની શકે. એનાથી વિપરીત સાહિત્યની ઓછી સમજ હોવા છતાં કોઈ બ્લોગર સફળ બ્લોગર બની શકે. બ્લોગ પર રજૂ થતી વાર્તાઓ સારી હોવા છતાં વાંચનારા ઓછા મળે જ્યારે પ્રમાણમાં ટૂંકા લખાણોને વાંચનારા વધારે મળે છે.

  એક સફળ બ્લોગર પોતે તો પોતાનાં લખાણોથી સંતોષ મેળવે છે અને અન્યને પણ સંતોષ આપે છે. જીવંત સંપર્ક હોવો એ અગત્યની વાત છે. છેવટે તો માણસને માણસની જરૂર હોય છે!

  • હું પણ એ જ કહેવા માગું છું કે જો બ્લૉગરના મગજમાં સતત કવિતા રમતી હોય અને તે બ્લૉગ પર કવિતા મૂકે તો તે વ્યાજબી વાત છે અને એવા બ્લૉગને આગળ જતાં સફળતા મળે પણ જ્યારે બ્લૉગરના મગજમાં સતત સવિતા રમતી હોય અને બ્લૉગ પર કવિતા મૂકાતી હોય ત્યારે તે અસરકારકતા ગુમાવી નિષ્ફળ થાય છે. અહીં સવિતા એટલે કોણ તેની લિન્ક મૂકી ચોખવટ કરી શકું તેમ નથી માફ કરજો.

   ભજીયાં તળવાવાળો ત્રંબક તાવડો કવિતા અને ગઝલની પોસ્ટ બનાવવીને સાહિત્યની પરબ ખોલવાને બદલે ભજીયાં કેમ તળાય તેની પોસ્ટ બનાવે તો તેનો બ્લૉગ વધારે ઉપયોગી થાય અને છેવટે સફળતા પામે.

  • ટૂંકા લખાણોને વધુ વાચકો મળે છે તેનું કારણ છે કે લોકો સાયબર કાફેમાંથી કે ઑફિસમાંથી કે ઘરેથી પોતાનો સમય બચાવીને ઈન્ટરનેટ સર્ફિંગ કરતા હોય છે. તેથી તેમની પાસે સમય ઓછો હોય છે.

   બીજું, પહેલા લાંબા લખાણો જેમાં બહુ બધું વર્ણન આવતું તે જરૂરી હતું, કારણ કે તે સમય લેખની સાથે ચિત્ર મુકવાની સગવડ નહોતી, જૂના જમાનાના પ્રિન્ટીંગ મશીનો શીશાના બીબાં ગોઠવીને ફક્ત અક્ષરો છાપતા. ફોટો મૂકવો હોય તો તે માટે ‘બ્લૉક’ બનાવવાની અલગ અને લાંબી વિધિ કરવી પડતી. આજે મલ્ટી કલર ઑફસેટ આવી ગયા છે. લેખની સાથે મસ્ત મજાનો રંગીન ફોટો મુકી શકાય છે. પણ બહુ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે બાકીનાઓ ગાડીની આગળ બળદની જોડી જોતરતા હોય તેમ લાંબા લાંબા વર્ણનો કરતા રહે છે, આજે પણ. શું જરૂર છે? રેલ્વે સ્ટેશનનો માહોલ ઊભો કરવા માટે ૨૦૦-૫૦૦ શબ્દો વડે ચિત્ર ઊભું કરવાને બદલે એક રેલ્વે સ્ટેશનનો ફોટો મુકીને કામ પતાવી શકાય છે. પ્રિન્ટ માધ્યમમાં કદાચ લેખકોની કૉલમને સેન્ટિમિટરમાં માપીને મહેનતાણું/ પુરસ્કાર અપાતું હશે તે માટે લાંબા લખાણો જરૂરી હોઈ શકે, લેખક છા્પાની જેટલી જગ્યા રોકે એટલો મોટો લેખક એવી છાપ ઊભી કરવા માટે પણ લાંબા લખાણો જરૂરી પણ બ્લૉગ/નેટ પર એવું નથી. એવી મારી સમજ છે. સમયની સાથે અપગ્રેડ થવું બહુ જ જરૂરી છે.

   • વિનયભાઈ,
    તમારી વાત સાચી છે. પહેલાં લોકો પાસે સમય હતો અને સામા પક્ષે વાંચન ઉપરાંત મનોરંજન માટે પુસ્તકોના વિકલ્પ ઓછા હતાં. ટીવી અને ઈન્ટરનેટ આવ્યા પછી ચિત્ર બદલાયું છે. પહેલાં લાયબ્રેરીમા જઈને મોટાં થોથાં પર પસંદગી ઉતારાતી. હવે?
    કલાત્મક વર્ણનની જગ્યા દર વખતે ચિત્ર ન લઈ શકે. કલાત્મક વર્ણન માણવું એ અલગ વાત અને કલાત્મક ચિત્ર માણવું એ અલગ વાત હોઈ શકે.
    એવી જ રીતે ચિત્રની જગ્યા વર્ણન ન પણ લઈ શકે.

  • પહેલાના જમાનામાં સમયનો અવકાશ ઘણો હતો, આજે એક તરફ હરિફાઈને નોકરી/ધંધામાં વધુ સમય આપવો પડે છે. શહેરમાં રહેવાથી કામની અને રહેવાની જગ્યા વચ્ચે અંતર અને ટ્રાફિક હોવાથી સમય બગડે છે. ઘરે ગયા પછી મનોરંજનના સાધનો વધવાને કારણે કોઈ એક માધ્યમને અપાતો સમય ઘટતો જાય છે. પહેલા એવું નહોતું, મને યાદ છે સામયિકમાં આવતી માનીતા લેખકની નવલકથાનું પ્રકરણ એક કરતાં વધુ વખત વાંચવાનો સમય મળતો, હવે?

   આજની પરિસ્થિતિ જોતાં હવે ટૂંકું અને મુદ્દાસર લખાણ હશે તો જ વધુ લોકો વંચાશે એવું મારું માનવું છે.

  • લખાણ/ભાષણ કેટલું લાંબું કે ટૂંકું હોવું જોઈએ તે વિશે એક જાણીતું અને મને ગમતું અવતરણ અહીં ટાંકું છું:

   A speech is like a miniskirts. It should be short enough to arouse interest but long enough to cover the essentials. – Ronald Knox

   ઉત્તમ વકતવ્ય સ્ત્રીના મિનિ સ્કર્ટ જેવું હોવું જોઈએ: રસ જગાડે એટલું ટૂંકું અને આવરીલે તેટલું લાંબું.

 3. વિનયભાઈ,

  બ્લોગને અસરકારક માધ્યમ બનાવવાનું કામ બ્લોગર્સનાં હાથમાં જ છે. એણે ઊંચાઈએ લઈ જવાનું કામ બ્લોગર્સ જ કરી શકે.

  બીજી એક વાત જે મનમાં ઘોળાતી રહી છે જે આજે કહેવાનું મન થયું છે. કદાચ તમે આ મુદ્દાને પણ આ લેખમાળામાં સ્થાન આપી શકો.

  મુદ્દો એ છે કે: બ્લોગલેખકોએ હમેશા પ્રિન્ટ માધ્યમને બ્લોગ કરતાં ચઢિયાતુ જ માનતાં રહેવાનું છે. પ્રિન્ટ માધ્યમમાં બ્લોગ બાબત બેચાર વાક્યોમાં નોંધ લેવાય ત્યાં તો આપણી નોંધ લેવાણી એમ માનીને હરખપદુડા થઈ જવાની શી જરૂર છે? આ લઘુતાગ્રંથીમાથી બ્લોગર્સ મિત્રોએ બહાર આવી જવાની જરૂર છે. પ્રિન્ટ માધ્યમમાં રજૂ થતા લખાણો કરતાં ક્યાંય ચઢિયાતાં લખાણો બ્લોગ્સમાં હોઈ શકે છે. છપાયેલું બધું જ શ્રેષ્ઠ નથી હોતું. ઢંગધડા વગરના બ્લોગ્સની જેમ એવાં જ સામયિકો પણ હોય છે. પરંતું છપાયેલું બેઠું જ બ્લોગમાં ઠાલવવાની પ્રવૃત્તિએ એક એવી છાપ પાડી દીધી છે કે: પ્રિન્ટ માધ્યમ બ્લોગ્સના કરતાં સદાય ચઢિયાતુ છે.

  પ્રિન્ટ માધ્યમો સામગ્રી માટે બ્લોગ્સ તરફ નજર નાંખવા લાગ્યાં છે. ભવિષ્યમાં બ્લોગ્સનું મહત્વ વધશે જ.

  • માનનીય યશવંતભાઈ

   આપની વાત ઘણા અંશે સાચી છે.

   બસ એક જુદા એન્ગલથી વિચારો તો જે તે બ્લોગ લેખક કે જેની પોતાના બ્લોગ પર કદાચ કુલ વિઝિટસ 100-1000 પ્રતિ લેખ હોય તેમને જ્યારે કોઈ સારા પ્રિંટ મિડીયમ દ્વારા અભિવ્યક્તિ કરવા મળે ત્યારે મોટેભાગે મિનિમમ 50000 થી પણ વધુ હોય છે. આવા સમયે પોતાનું સર્જન ઘણા બધા લોકો સુધી પહોંચ્યુ શું તેનો આનંદ લેખક વ્યક્ત ન કરી શકે ? આખરે તે પણ એક અભિવ્યક્તિ છે…!!

   પ્રિંટ મિડીયા સો ટકા બ્લોગ તરફ નજર રાખી રહ્યા છે અને વખણાયેલા તમામ લેખ મહદ અંશે બહુ પ્રેમથી આમંત્રણ થી માગી લે છે અથવા ઘણી વાર તેમના લેભાગુ લેખકો આને કોપી-પેસ્ટ કરી લે છે… !

   • મૌલિકભાઈ,
    આપે જે દૃષ્ટિથી વાત કહી છે તે બરાબર છે.
    મેં નોંધ લેવાની વાત એ રીતે વાત કહી છે કે: બ્લોગર્સ મિત્રોએ બ્લોગ માધ્યમને ઉતરતું ન માનવું જોઈએ. લખાણની ગુણવતા બ્લોગ્સમાં જળવાતી હોય પરન્ત પ્રિન્ટ માધ્યમાં ન જળવાતી હોય તેવું બને. એનાથી વિપરીત પણ બને. રહી વાચકોની વાત. કેટલાક સામયિકો એ કક્ષાના હોય છે કે તેમાંઆપણી એક નાનકડી રચના પ્રગટ થાય તો પણ આપણા માટે ગૌરવની વાત ગણાય. ભલે એનો ફેલાવો માત્ર ૫૦૦ નકલોનો જ હોય! મને તો આજની તારીખે પણ એવાં સામયિકોમાં રચના મોકલવાની મહેનત કરવાનું ગમે છે. કારણ કે ત્યાં જે કક્ષાના સંપાદક હોય છે તેનો તો બ્લોગ માધ્યમમાં તદ્દન અભાવ છે! બ્લોગ માધ્યમમાં બ્લોગના લેખકે પોતે જ એ સંપાદકની જવાબદારી નિભાવવાની હોય છે.
    વાચક ૫ હોય કે ૫૦૦ હોય કે ૫૦૦૦૦ હોય,લેખક જરૂર આનંદ પામી શકે. આનંદ વ્યક્ત કરી શકે.

  • કોઈ પણ માધ્યમને એક બીજાથી ચડિયાતું કે ઊતરતું ગણી શકાય નહી. ટીવી આવ્યું ત્યારે એમ કહેવાતું કે હવે છાપું કોણ વાંચશે? પણ એવું થયું નથી. આજે ટીવી પ્રોગ્રામની પાનાઓ ભરીને જાહેરાતો છાપાંમાં આવે છે.

   બીજા માધ્યમે નોંધ લીધી તે માટે જરૂર હરખાવું જોઈએ પણ યશવંતભાઈની હરખપદુડા ન થવાની વાત સાથે સહમત છું. જે બ્લૉગ/વેબસાઈટની લિન્ક છાપાએ ખોટી છાપી હોય તેમણે તો હરખાવાને બદલે કોઠીમાં મોં ઘાલીને રોવું જોઈએ એવી મારી સમજ છે.

  • કોઈ એક માધ્યમ બીજા માધ્યમથી ચડતું કે ઊતરતું હોતું નથી પણ પૂરક (કે હરીફ) હોય છે. પ્રિન્ટ માધ્યમને ઈન્ટરનેટના માધ્યમનો અંદાજ આવી જ ગયો છે અને એટલે દરેક છાપાની વેબ એડિસન આવી ગઈ છે કે આવવામાં છે.

 4. absolutely spot on vinaybhai…. However the description do not match title…! Its more life preface of the future articles : પ્રેરણા કે પ્લેજરીઝમ? કૉપી-પેસ્ટ કે કૉપીરાઈટ? સંદર્ભ, સ્ત્રોત કે સૌજન્ય? ….!

 5. શ્રી વિનયભાઈ,

  તમારી વાત સાચી છે. બ્લોગ શબ્દ મુખ્યત્વે પોતાના અંગત વિચારોની અભિવ્યક્તિ કે માહિતી અથવા જ્ઞાનના ક્રમિક આદાન પ્રદાન માટે વપરાવો જોઈએ. તમારા લોકપ્રિય બ્લોગ સહિત આવા ઘણાં ગુજરાતી બ્લોગ છે. કાર્તિકભાઈ મિસ્ત્રીનો બ્લોગ તો બ્લોગિંગની કળા શિખવાની પાઠશાળા જેવો છે.

  તમારા લેખમાં મારી વેબસાઈટનો ઉલ્લેખ કરવા બદલ ઘણો જ આભાર પણ મારી વેબસાઈટ એ સાચા અર્થમાં બ્લોગ નથી. મારા વેબપૃષ્ઠો બનાવવા માટે પણ હું કોઈ બ્લોગિંગ સોફ્ટવેરની મદદ લેતો નથી. માત્ર HTMLના ધારા-ધોરણ અનુસાર નોટબૂકમાં નોન-ફોર્મેટેડ ટેક્સ્ટ લખી તે સાદી ટેક્સ્ટ તરીકે જ સેવ કરી તેને ડોટ એચટીએમનું પૂંછડું લગાવી દઉં છું. શરૂઆતમાં મેં બ્લોગિંગ સોફ્ટવેર શિખવા મહેનત કરી પણ મને તે આવડ્યો નહિ એટલે HTML ભાષા શિખવાની મહેનત કરી અને સદનસીબે તે તુરંત આવડી ગઈ. બ્લોગિંગમાં પણ કેટલાક અંશે HTML વાપરી શકાય છે. જો આપણાં બ્લોગર ભાઈઓ HTMLનો થોડો થોડો ઉપયોગ કરવાનું શરૂ કરે તો તેઓ તેમના બ્લોગ આજે છે તેના કરતાં ઘણા સરસ સરળતાથી બનાવી શકે.

  -માવજીભાઈ મુંબઈવાળા

 6. મને બ્લોગ હંમેશા અભિવ્યક્તિનું નિરંકુશ માધ્યમ લાગ્યું છે. ક્યારેક એ અભિવ્યક્તિ સાહિત્ય બની જાય, તો ક્યારેક માત્ર વાણી-વિલાસ. પરંતું અગત્યની વાત એ છે કે તે એક માધ્યમ પૂરું પાડે છે. આગળની વાત તો એક છરી જેવી છે- કોઈ શાક સમારે ને કોઈ ખૂન કરે!

 7. સરસવાત, સરસ ઉદાહરણ દ્વારા સમજાવી છે…….

Leave a Reply

%d bloggers like this: