Sep 162011
 

પ્રિય મિત્રો,

ઘણાં બ્લૉગર મિત્રો બ્લૉગને (ઑનલાઈન) ડાયરી ગણાવતા હોય છે. ચાલો સમજીએ બ્લૉગ અને ડાયરીમાં કેટલી સમાનતા છે.

સૌપ્રથમ બ્લૉગ (blog) એટલે શું એ સમજીએ. બ્લૉગ શબ્દ વેબલૉગ (weblog)નું ટૂંકું રૂપ છે. વેબ (web) એટલે (ઈન્ટરનેટનું) જાળું અને લૉગ (log) એટલે પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ.

લૉગ શબ્દનો મૂળ અર્થ લાકડાનો ટૂકડો થાય છે. વહાણનો વેગ માપવા માટે લાકડાનો ટૂકડો બાંધવામાં આવતો અને તેની વિગતવાર અને સમયસર નોંધ રાખવામાં આવતી તેના પરથી લૉગ શબ્દ વિગતવાર નોંધ માટે વપરાવા લાગ્યો.

આટલું સમજી લીધું એટલે હવે જોઇએ ડાયરી. ડાયરી એટલે રોજનીશી, રોજરોજની ઘટના/વિચાર ઈત્યાદીની નોધપોથી.

આમ, બ્લૉગ અને ડાયરીના અર્થ એક સમાન છે એટલે બ્લૉગને ડાયરી કહી શકાય પણ ફરક તેના વપરાશ પર છે. ડાયરીનો ઉપયોગ રોજબરોજની ઘટના/વિચાર ઈત્યાદીની નોંધપોથી તરીકે કર્યો હોય તો વાંધો નહીં પણ આપણે ડાયરીનો ઉપયોગ નોટબુક તરીકે પણ કરતા હોઇએ છીએ.

દા.ત. તમારી ડાયરીમાં તમે મુકેશજીએ ગાયેલું દર્દભર્યું ગાયન કે હરિન્દ્ર દવેની રચના લખી છે. મને પણ તે રચના ગમે છે. તો હું એ રચના તમારી ડાયરીમાંથી મારી ડાયરીમાં ઉતારી લઈશ. આ વાત ડાયરી માટે બરાબર છે. આ રીત જ્યારે બ્લૉગ પર અજમાવવામાં આવે છે ત્યારે મોટર કાર આગળ બળદની જોડી જોડતા ખેડુતના પેલા પ્રખ્યાત ટૂચકા જેવો ઘાટ થાય છે. ખેડુતના દાદા/પરદાદા પોતાના વાહન આગળ બળદની જોડી જોડતા હતા, કારણ કે તે ગાડું હતું, હવે ખેડુત પાસે મસ્ત મજાની મારુતિ ગાડી આવી ગઈ છે જે પાવરફુલ એન્જિન ધરાવે છે.

બ્લૉગને ડાયરી સાથે ગણાવતા બ્લૉગર આ જ ભૂલ કરે છે. તેઓ ભૂલી જાય છે કે ડાયરીમાં રચના કૉપી કરવી જરૂરી હતી કારણ કે મારી ડાયરી મારી પાસે રહેવાની છે અને તમારી ડાયરી તમારી પાસે રહેવાની છે, જ્યારે બ્લૉગ સદાય ઑનલાઈન હોય છે, ગમે ત્યારે વાંચી શકાય છે!

બીજું, ડાયરીએ અંગત છે, જ્યારે બ્લૉગ જાહેર છે. મારી ડાયરી સામાન્ય રીતે મારી પાસે રહે છે અને હું તમને આપું તો જ તમે વાંચી શકો છો. જ્યારે બ્લૉગ ઑનલાઈન હોવાથી કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે.

મારી ડાયરીમાંની રચના મારા દસ મિત્રોને વહેંચવા માટે રચનાની ૧૦ ફોટો કૉપી કરાવવી પડતી હતી અથવા દસ વખત લખવી પડતી હતી, જ્યારે બ્લૉગ પર મૂકેલી રચના માટે તેમ કરવું પડતું નથી, ફક્ત બ્લૉગની લિન્ક દસે દસ મિત્રોને મોકલી આપું એટલે પત્યું!

તો શું બ્લૉગ પર ડાયરીની જેમ રચના કૉપી ન કરી શકાય? કરી શકાય. જરૂરી હોય તો જ! કેવી રીતે તે સમજવા માટે ખેડુત, કાર અને બળદવાળા ટૂચકાને આગળ વધારીએ. ઘારો કે દૂર ક્યાંક જંગલમાં રસ્તો ધોવાઈ ગયો છે અને રસ્તાની જગ્યાએ કાદવ ફેલાઈ ગયો છે. એવામાં ખેડુતની ગાડી ફસાઈ ગઈ છે. ગાડીને કીચડમાંથી બહાર કાઢવા માટે ટૉઈંગ વૅન આવી શકે તેમ નથી આજુ-બાજુમાં તો ઠીક, દૂર- દૂર સુધી ક્યાંય હેમા/રેખા/જયા/સુષ્મા દેખાતી નથી જે આવીને ખેડુતની ગાડી કાદવમાંથી બહાર કાઢવામાં મદદ કરે! આવા સમયે ગમે તેવા પાવરફૂલ એન્જિન ધરાવતી ગાડી આગળ પણ બળદની જોડી જોડી શકાય, અન્યથા હાસ્યાસ્પદ ગણાય.

ડાયરી એ અંગત હોવાથી તેમાં ફાવે તેવી ભાષા વાપરી શકાય જ્યારે બ્લૉગ જાહેર હોવાથી યોગ્ય ભાષા વાપરવી હિતાવહ.

બ્લૉગ એ જાહેર માધ્યમ હોવાથી તેને કૉપીરાઈટના કાયદાઓ લાગુ પડે છે જેના વિશે ફરી ક્યારેક.

મારા વિચારો સાથે સહમત હો, અસહમત હો કે તમને લાગતું હોય કે કોઈ મુદ્દો રહી ગયો હોય તો તમારા વિચાર રજુ કરવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે…!

લેખમાં મૂકેલી લિન્ક ફરી એક વાર:

આ વિભાગની અન્ય પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો.

  25 Responses to “સરખામણી: બ્લૉગ કે ડાયરી”

 1. Nice topic and very interesting explanation.

 2. સરસ, સરળ, સુંદર સમજૂતિ આપી.

  આ રીતે બ્લોગ અને વેબસાઈટ વચ્ચેની સામ્યતા અને તફાવત પણ સમજાવશો..?

 3. શ્રી.વિનયભાઈ,

  સ_રસ, બંન્નેમાં સમાનતા અને ફરક સરળ શબ્દોમાં સમજાવ્યો. મિત્રોના લાંબા પ્રયાસના અંતે હવે કૉપી-પેસ્ટનું પ્રમાણ ઘટ્યું તો લાગે છે. કોઈની ડાયરીમાંથી પોતાને ગમતો ઉતારો કરી લેવા માટે પણ ડાયરીધારકની સહમતી તો જરૂરી જ. પણ બ્લોગનું આ કૉપી-પેસ્ટ, નૈતિક રીતે ડાયરીના સંદર્ભે, તો કોઈકે વાંચવા આપેલી ડાયરીમાંથી ગમતી રચના વાળું પાનું છાનામાના ફાડી લેવા જેવું થાય.

  • સાચી વાત છે.

   ગમતી રચના વાળું પાનું છાનામાના ફાડી લીધું હોય અને તેને રંગે હાથ ફાટેલા પાના સાથે પકડીએ તો આપણી પાસેથી પૂરાવા માગે એવા દિવસો આવ્યા છે!

 4. શરૂઆતમાં હું બ્લોગને (વેબસાઈટના સંદર્ભમાં) ભીંતપત્ર કહેતો. પરંતુ જેમજેમ ઉપયોગ કરતા ગયો તેમતેમ સાઈટના પ્રમાણમાં ભલે નાનું પણ અત્યંત સંકુલ એવું બહુવિધ સગવડો અને બહવિધ ઉપયોગભર્યું આ માધ્યમ સમજાતું ગયું.

  સરસ ઉપયોગી ચર્ચા મૂકી છે. આભાર.

  • બ્લૉગ એટલી બધી શક્યતાઓ ધરાવે છે ભવિષ્યમાં ‘પેન ઈઝ માઈટર ધેન સ્વોર્ડ’ વાક્ય અપગ્રેડ થઈ ‘બ્લૉગ ઈઝ માઈટર ધેન મિસાઈલ’ બોલાવા લાગે તો નવાઈ નહીં.

 5. સરસ રીતે બ્લોગ અને ડાયરીનો તફાવત સમજાવ્યો.

 6. વિનયભાઈ,

  સરસ રજૂઆત છે.

  મને એક-બે ઉદાહરણ આપવાનું ગમશે. ધારો કે એક જાણીતા કોલમલેખકનો લેખ તાજેતરમાં જ છાપામાં આવ્યો હોય તો એકાદ બે જગ્યાએ એ ફરીથી મૂકાય ત્યાં સુધી ઠીક પરંતુ એ જ લેખ એકસાથે અનેક જગ્યાએ પુનરાવર્તન પામે એના બદલે એ લેખ બાબત ચર્ચા થાય કે બ્લોગર દ્વારા એ લેખની વિશેષ સમજૂતી અપાય તો ગમતાંનો ગુલાલ કર્યો કહેવાય. જે મોટાભાગે બનતું નથી. રચના એમની એમ જ મુકાતી જાય છે. કેટલીક રચનાઓ તો એટલી જાણીતી હોય છે કે એને વારંવાર મૂકવાની જરૂર નથી હોતી. સિવાય કે બ્લોગમિત્ર એ રચના વિષે કશું વસ્ધારે કહેવા માગતા હોય.

  જાણીતી રચાનાઓની જ વાહ વાહ ભલે થાય પરંતુ ક્યાંક નવી કલમમાં દમ દેખાય તો એની કદર કરવી જરૂરી છે. પાણીની જરૂર દરિયાને હોય એનાથી વિશેષ રણને હોયને?

  એ સિવાય બ્લોગલેખન સહુને અવનવી તરકીબો અજમાવવાને માટે મોકળું મેદાન આપે છે! જેમ કે કોઈ બ્લોગર તેલના ડબ્બાનું વીસ વરસ જૂનું બિલ મુકે તો ટૂંકમાં કેટલું બધું કહેવાય જાય! તેલના ભાવ, બિલ બનાવવાની રીત, બીલનું લખાણ, ભાષા વગેરે એકસાથે પ્રગટ થઈ જાય. એવી જ રીતે જૂની ટપાલો મૂકી શકાય.

  જે લેખકોની સારી સારી રચનાઓ સામાન્ય રીતે વાંચવા નથી મળતી તે મૂકાય તો લેખે લાગે.

  બ્લોગર પોતે જ પોતાના અનુંભવો આવડે તે રીતે મકે તો સમય જતાં તેને લખવાની ફાવટ આવી શકે છે. જાણીતા લેખકની કક્ષાનું કે એનાથી પણ સારી રજૂઆત કરી શકે. પરંતુ એવું કરવાને બદલે માત્ર બીજાનાં લખાણો કોપી કરીને મૂક્યા કરે તો કદાચ એને સંતોષ મળે પણ બીજાની તરસ ન છીપાય એવું બને.

  • તમારી આ કમેન્ટ જ એક સુંદર બ્લોગ પોસ્ટ છે, યશવંતભાઈ!

  • યશવંતભાઈની વાતમાં સૂર પૂરાવીને કહું કે સિદ્ધહસ્ત બ્લોગ–લખાણોનું રસદર્શન કરી–કરાવીને, સાધારણ લાગતાં લખાણોને ટેકો આપીને અને નબળાં લખાણોમાંની ક્યારેક ભૂલ પણ બતાવીને આપણે ગુજ. બ્લોગજગતને બહુ ઉપયોગી થઈ શકીએ. અત્યારે તો ભીંતપત્રોની માફક બીજાનાં જ લખાણો ચોંટાડીને મૂકવાનું ચલણ વધુ છે. બીજાંનાં લખાણો મૂકવાની સાથે એના અંગે ચર્ચા થાય તો નવા લેખકોને કેટલાંક રહસ્યો, કેટલાક સાહિત્યક્ષેત્રના નિયમો વગેરેની પણ જાણ થાય.

   વાત તો ડાયરી અને બ્લોગની સરખામણીની છે પણ ય.ભાઈની વાતે મનેય આટલું વિષયાન્તર કરવા પ્રેર્યો. અભિનંદન અને આભાર સાથે

   -via Email

  • મારું માનવું એમ છે કે એક વખત જાણીતા કટાર લેખકનો લેખ જાણીતા સમાચાર પત્ર કે સામયિકની વેબસાઈટ પર મૂકાઈ જાય પછી તેની (તેમાં રહેલી જોડણી ભૂલો સાથે) વાનર નકલ કરવાને બદલે તેની લિન્ક આપી પોતાના વિચાર રજુ કરવાની જરૂર છે. કંટ્રોલ સી, કંટ્રોલ વી બટન દબાવવા એ બ્લૉગિંગ નથી.

   આપની વાત સાચી છે, નવી કલમને એક પણ કૉમેન્ટ ન મળી હોય અને જાણીતા કટાર લેખકના લખાણના ૧૦૦મા કૉપી-પેસ્ટને સારી એવી કૉમેન્ટ મળતી જોઈને લોકો કૉપી-પેસ્ટ કરવા પ્રેરાય છે અને પોતાનું લખતા ડરતા લોકો કૉપી-પેસ્ટનો ટૂંકો અને સરળ રસ્તો અજમાવતા હોય એવું મારું નમ્ર માનવું છે.

   કૉપી-પેસ્ટર તો કૉપી-પેસ્ટ કરવાનો જ છે, તેને એ જ આવડે છે અને તેને તેના વડીલો અને શિક્ષકોએ આપેલા સંસ્કરમાંથી એ જ શીખ્યો છે, પણ વાચક જે સમજદાર અને જવાબદાર છે તેણે કૉપી-પેસ્ટ પર પ્રતિક્રિયા દર્શાવીને ‘કુપાત્રે દાન કરી નરકમાં જવાનું કૄત્ય’ શા માટે કરવું જોઈએ તે મને સમજાતું નથી.

   તેલના ડબ્બાનું વીસ વરસ જૂનું બીલ મુકવની ટિપ આપી છે તેનો હું ટૂંક સમયમાં અત્રેથી અમલ કરીશ.

 7. વિનયભાઇ.. સરસ વાત લઇ આવ્યા.. હું પણ મારા બ્લોગને ઓનલાઇન ડાયરી જ કહું છું.. અલબત્ત આ ડાયરીમાં ફકત સાહિત્યની જ વાતુ..અંગત નહીં… જાહેર ડાયરી..મારા લખાણૉની.. જેને ગમે એ વાંચે..ન ગમે એ ન વાંચે..

  યશવંતભાઇની આ વાત બહું ગમી.. જાણીતા કવિઓની પ્રખ્યાત રચનાઓ દરેકે વાંચી જ હોય.. એથી જાણીતી રચનાઓને બદલે અજાણી..નવીન, દમદાર રચનાઓ મૂકાય તો વાંચવાનો આનંદ આવે.. જાણીતું તો બધા પાસે હોય જ..

  ડાયરી અને બ્લોગ .તફાવત .વાંચવા ગમ્યા..હજુ બીજા તફાવત પણ ઉમેરી શકાય. .

 8. સરસ તુલનાત્મક રજૂઆત.

 9. મારા મતે એક બ્લોગમાંથી બીજા બ્લોગમાં કોપી પેસ્ટ કરી શકાય પરંતુ જે રચના જ્યાંથી લીધી હોય તેને ક્રેડિટ કે સૌજન્ય આપવું ખૂબ જ જરૂરી છે. દા. ત. તમે બ્લોગ શબ્દનો અર્થ ક્યાંથી લીધો તે માટે ગુજરાતી લેક્સિકોનનું સૌજન્ય જણાવ્યું છે તદુપરાંત નિરમાની જાહેરખબરમાંથી પણ દૃષ્ટાંત આપ્યાનું જણાવ્યું છે.

  • લખાણ કે માહિતી ક્યાંથી મેળવ્યા તે જણાવવાની ટેવ સારી છે.
   કેટલાક મિત્રો તો પોતાનું એકાદ સારું વાક્ય પણ ક્યાંથી પ્રેરણા મેળવીને લખ્યું છે તે પણ જણાવે છે. જે જણાવવું સામાન્ય રીતે જરૂરી નથી હોતું. પરંતુ એક પ્રકારની કાળજી.
   એનાથી વિપરીત .. કોઈ નવાસવા લેખકના લખાણમાંથી તર્ક મેળવીને એકાદ સારી કૃતિની રચના કરીને વાહ વાહ મેળવનારા જાણીતા લેખકો પણ હોય છે.

  • કોઈના બ્લૉગમાંથી કૉપી કરાય કે નહીં, કેટલું કૉપી કરાય, ક્રેડિટ/લિન્ક દર્શાવવી ફરજીયાત કે મરજીયાત તે બ્લૉગર, જેનું લખાણ હોય તે, નક્કી કરી શકે, કૉપી કરનાર નહીં. બ્લૉગર જો પરવાનગી ન આપે તો ક્રેડિટ અને લિન્ક આપીને પણ કૉપી ન કરી શકાય, તેવી જ રીતે સામે છેડે જો બ્લૉગર એમ પણ કહી શકે કે તમ તમારે કૉપી કરો, ક્રેડિટ/લિન્ક આપવાની જરુર નથી!

   સામાન્ય રીતે (બધા નહીં) બ્લૉગ ક્રિએટિવ કમેન્સ લાયલસન્સ હેઠળ હોય તો લખાણ કૉપી કરી શકાય પણ ક્રેડિટ અને લિન્ક આપીને.

   • ચોક્કસ મારા પક્ષે એ ભૂલ થઈ ગઈ કે બ્લોગરની પરવાનગી લીધા સિવાય તેના બ્લોગમાંથી કોપી પેસ્ટ ન કરી શકાય. પરંતુ જ્યાં સુધી સાહિત્યનો ઉપયોગ નાણાકીય લાભ માટે ન કરવામાં આવે ત્યાં સુધી તેને સાર્વજનિક સર્જન તરીકે સ્વીકારવું જોઇએ એટલે તમે કોપી પેસ્ટ કરો તેનો વાંધો નહીં પણ લેખકને ક્રેડિટ અચૂકક આપવી જોઇએ પણ જો બ્લોગરના સાહિત્યનો ઉપયોગ નાણાં કમાવાના આશાયથી (દા.ત. ફિલ્મ કે વ્યાવસાયિક નાટક બનાવીને કે પછી પુસ્તક છાપીને) કરવામાં આવે તોતો તેને માત્ર નામની ક્રેડિટ નહીં પરંતુ કેશ (નાણાકીય) ક્રેડિટ પણ આપવી જોઇએ.

    • સાહિત્યનો ઉપયોગ નાણાકીય લાભ માટે ન કરવામાં આવે તો રચનાકારની પરવાનગી વગર કૉપી-પેસ્ટ કરો તો વાંધો નહીં એમ તમે કહેવા માગતા હો તો તેની સાથે હું સહમત નથી. પરવાનગી લેવી જ જોઈએ, પરવાનગી આપતી વખતે રચનાકાર નક્કી કરશે કે નામ દર્શાવવું કે નહીં, લિન્ક દર્શાવવી કે નહીં, રોયલ્ટી લેવી કે નહીં, લેવી તો કેટલી લેવી.

     તમારો પ્લોટ ખાલી પડ્યો હોય અને કોઈ સ્વચ્છ છબી ધરાવતો સામાજિક કાર્યકર્તા ગરીબ, રસ્તે રખડતા છોકરાઓને મફત ભણાવવાનું ઉમદા કાર્ય તમારી રજા વગર તમારા પ્લોટ પર કરે તો તે તમને ગમશે? (પ્લોટ સૌજન્યનું પાટિયું લગાડીને, અલબત્ત)

     નીતિ વિષયક વાત થતી હોય ત્યારે પ્લોટ વાર્તાનો હોય કે જમીનનો શું ફરક પડે છે?

 10. વિનયભાઈ,

  ખાસ કરીને યુંવાન મિત્રોને મારી ભલામણ છે કે આજથી જ નિયમિત ડાયરી લખવાનું શરૂ કરી દે. એ ડાયરી ભવિષ્યમાં કીમતી દસ્તાવેજ સાબિત થઈ શકે છે. એની કિંમત ત્યારે જ સમજાશે.

  ધારો કે, કોઈ યુવાનની કારકિર્દીની શરૂઅઆત થઈ છે. જો એ ડાયરી લખતો હોય તો તે જરૂર પોતાના ઉમંગ અને ઉત્સાહ બાબત લખી શકે. એ પણ લખી શકે કે જ્યારે ખરીખરો જરૂર હતીજ ત્યારે જ જોબ મળવાથી પોતાને કેટલી રાહત થઈ છે.

  હવે વર્ષો પછી જ્યારે એણે જોબ તરફ અણગમો થાય ત્યારે જો આ લખાણ પર તે નજર નાખે તો તેણે એ વાતનો ખ્યાલ આવી શકે કે આ જોબ એક સમયે તેના માટે નવું જીવન આપનારી હતી.

  એ સિવાય મિત્રો સાથેના અનુભવો નોંધી રાખ્યા હોય તો ભવિષ્યમાં એ જ લખાણો મિત્ર તરફની ફરજ બજાવવામાં પ્રોત્સાહક સાબિત થાય.

  ડાયરીના લખાણો પરથી ક્યારેક કોઈ કહાની કે નવલકથાનું સર્જન પણ થઈ શકે.

  ડાયરી લખતાં લખતાં બ્લોગ્લેખન તરફ પણ વળી શકાય.

  બાકી આટલા વાગ્યે ઊઠ્યો ને આટલા વાગ્યે નાહ્યો કે આટલા વાગ્યે નાસ્તો કર્યો…. જેવી નીરસ નોંધનો ખાસ અર્થ નથી.

  એના બદલે નાસ્તામાં સુખાભાઈના ગાંઠિયા ને મરચાં ઠપકાર્યા અને ઉપરથી “જનતા હોટલ”ની બાદશાહી ચાં ઠપકારી. એવું કશું નોંધ્યું હોય તો એ નોંધ ભવિષ્યમાં જરૂર આનંદ આપનારી બની શકે.

  અર્થાત, ડાયરી હોય કે બ્લોગ.. લખાણ ટૂંકું હોય કે લાંબુ.. એ રસપ્રદ હોવું જોઈએ. એ માહિતીની સાથે સાથે સંતોષ અને આનંદ આપનારું હોવું જોઈએ.

  આ મારા વિચારો છે. સનાતન સત્ય હોવાનો મારો દાવો નથી.

 11. શ્રી વિનયભાઇ,
  સુંદર માહિતી આપી. મુળ પોસ્ટ અને કોમેન્ટસ દ્વારા ઘણાં સારા વિચારો જાણવા મળ્યા.
  આપની માહિતી પ્રમાણે મારો બ્લોગ ડાયરીના સ્વરૂપમાં વધારે છે. અને જાહેર માધ્યમ હોવાથી ભાષા અંગે હંમેશા સભાન રહુ છું. અને યશવંતભાઇએ આપેલ રસપ્રદ માહિતી પ્રમાણે બ્લોગને નિયમિત રીતે લખતા રહેવાનો તથા રસપ્રદ યાદગીરીઓ ટુંકમાં નોંધતો રહુ છું.

 12. સારો માલ પણ એના ઉત્પાદકને ત્યાં વેચવા મૂકો તો વેચાય નહીં એવું બને ! એ જ માલ કોઈ જાણીતા મૉલ પર મૂકો ને તરત ખપી જાય એમેય બને.

  પણ આનો અર્થ મૉલવાળાઓએ અવળો લઈને ઓછા જાણીતા સર્જકો ઉપર ઉપકાર કરવાનો ભાવ બતાવવાની જરૂર નથી. યશ તો મૂળ સર્જકને જ મળવો જોઈએ. યશ.ભાઈએ કહ્યું તેમ કોઈનો વિચાર ઉઠાવી લઈને નવસર્જન કરનારાઓનોય વિચાર કરવો જોઈએ.

  મેં પોતે એક કાવ્યમાં આવો પ્રયોગ કરીને એને સહિયારા સર્જનમાં ખપાવીને બન્નેનું નામ મુક્યું છે…આ પણ એક મહત્તવનો અને ચર્ચાસ્પદ મુદ્દો છે. કોઈના લેખમાંથી કોઈ વિચાર લઈને નવો લેખ લખવાના કાર્યને શું સહિયારા સર્જન તરીકે સ્વીકારવું જોઈએ ?

 13. સરસ વિચાર અને તાર્કિક રજૂઆત. લેખ અને તેની કોમેન્ટ્સ, બન્ને વાંચવા ગમ્યા.

 14. આ પોસ્ટ વાંચીને મુંબઈથી ખીચીકાકાનો ફોન આવ્યો. તેમણે ખેડુત, કાર અને બળદની જોડીવાળા ઉદાહરણનો આધ્યાત્મિક અર્થ દર્શાવતાં કહ્યું કે ગાડીને બહારથી બળદ/હાથી/ઘોડા વગેરે જોડીને શક્તિ મેળવવાને બદલે ‘ગમાર’ ખેડુત પોતાની ગાડીની અંદર ખાંખાખોળા કરશે તો તેને એક દાંડો દેખાશે (જેને ભણેલા લોકો એક્સિલેટર કહે છે) એ દાંડાને દબાવી જોશે તો ખ્યાલ આવશે કે શક્તિ તો અંદર જ ભરેલી પડી છે! હા, શરુઆતમાં ગાડી આમ તેમ જશે પણ પછી ફાવી જશે.

  રાજેશ રેડ્ડીની ‘ઉડાન’ પુસ્તકમાં રજુ થયેલી રચના ટાંકીને તેમણે પોતાની વાત પુરી કરી:

  હમ ઢુંઢતે થે જીસે જમાને મેં ઉમ્ર ભર
  વો જિંદગી તો અપને હી અંદર કા ખેલ હૈ!

 15. સાહિત્ય જગતના ઘણા સુંદર રચનાકારો પોતે બ્લોગીંગ કરે છે અને પોતાની નવી રચનાઓ બ્લોગ પર મૂકે છે તે દ્ર્ષ્ટિ એ આ કવિઓની ડાયરી તે આપણા ભરોસે આપણા સમક્ષ ખુલ્લી મૂકે છે. આ ખૂબ આનંદ દાયક ક્ષણ છે… અને ગમતા નો ગુલાલ છે….
  … પણ આ હક માત્ર રચયિતાનો છે. તેની ડાયરીનું આ પાનુ ફાડીને મારી ડાયરીમાં ચીપકાવુ અને કહું કે બોસ આપણી ડાયરીનું છે આ પાનુ તો……….બોસ આ ચોરી છે…. બસ એ ન કરો તો બ્લોગ મજા જ મજા છે….

Leave a Reply

%d bloggers like this: