વિનય ખત્રી

Nov 252014
 

પ્રિય મિત્રો,

હું ઘણાં સમયથી સ્માર્ટ ફોન ધરાવું છું. નવું વસાવ્યું ત્યારે થયું કે એક સ્માર્ટ ફોન આવવાથી કેટલાય અન્ય ઉપકરણો સાથે લેવા પડતા નથી. દા.ત. ઘડિયાળ, (સાયન્ટિફીક) કેલ્ક્યુલેટર, (ડિજિટલ કે સાદી) ટેલિફોન ડાયરી, નોટબુક, ડેટ ડાયરી, કંપાસ, જીપીએસ નેવિગેટર, લેપટોપ કૉમ્પ્યુટર, રમત રમવા માટેનું ઉપકરણ (દા.ત. ગેમબોય, જો કે હું બહુ રમત રમતો નથી), કેમેરા, ડિક્ષનરી, પેનડ્રાઈવ, રેડિયો, નકશા, વૉકમેન કે એમપીથ્રી પ્લેયર, પોર્ટેબલ વિડિયો પ્લેયર, (વોટર) લેવલ, બિલોરી કાચ, ઈલેક્ટોનિક્સ હેન્ડબુક, અલાર્મ, કેસિયો, ટોર્ચ, બારકોડ સ્કેનર, બિઝનેસ કાર્ડ સ્કેનર, પંચાંગ, બેંક પાસબુક, ચેકબુક વગેરે…

શરુઆતમાં તો મજા આવી પણ ધીરે ધીરે સમજાણું કે પહેલા આ બધા ઉપકરણ પોત પોતાની બેટરી વડે ચાલતા હતા જ્યારે સ્માર્ટ ફોન પોતાની એક માત્ર બેટરી વડે ચાલે છે. બેટરી જલ્દીથી ઊતરવા લાગી અને બેટરી ઊતર્યા પછી સ્માર્ટ ફોન બંધ પડી જતો અને હું ‘ડમ્બ’ થઈ જતો, મારે કોઈને એક ફોન કરવો હોય તો તે કરી શકું નહીં. સ્માર્ટ ફોનને કારણે ફોનની ડાયરી સાથે રાખવાનું છુટી ગયું અને ફોનના નંબરો યાદ રાખવાનું તો કેસિયોની ડિઝિટલ ડાયરી વાપરી ત્યારનું છુટી ગયું હતું. અંતે સ્માર્ટ ફોનની સાથે સાથે એક સાદો પણ લાંબી બેટરી આવરદા ધરાવતો ફોન સાથે રાખવા લાગ્યો.

આમ, સ્માર્ટ ફોન આવવાની સાથે ઘણાં બધા ઉપકરણો છુટી ગયા, પણ પાછલા બારણે કેટલાક નવા ઉપકરણો સાથે લઈ ફરવું અનિવાર્ય થઈ ગયું – બેકઅપ ફોન, બેકઅપ બેટરી (પાવર બેંક), ચાર્જર, (વાયરલેસ કે વાયરવાળી) હેન્ડસ ફ્રી, બ્લ્યુટૂથ સ્પિકર.

હજી કેટલા ઉમેરાશે તે અત્યારે કહી ન શકાય. સમય આવ્યે અપડેટ કરતો રહીશ.

આપનો અનુભવ જણાવવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

– વિનય ખત્રી

Nov 212014
 

પ્રિય મિત્રો,

વાહ.કો માટે પ્રોગ્રામર સાથે મસલત ચાલુ છે અને થોડા સમયમાં બ્લોગની યાદી મૂકવા માટેના મોડ્યુલ્સ પ્રોગ્રામ કરીને મળી જશે એવી આશાઓ ફરીથી જાગી છે.

હું પ્રોગ્રામર સાથે વ્યસ્ત રહું તે તો બરાબર, પણ તમે ફન કે જ્ઞાનથી વંચીત ન રહો તે માટે આજે ફરી એક વાર રમૂજી ચિત્ર અને કટાક્ષ:

સમય સાથે બદલાતા ટીવીસેટ મથાળા સાથે એક પોસ્ટ બહુ સમય પહેલા મૂકી હતી:

સમય સાથે બદલાતા ટીવીસેટ

જેમાં વહેતા સમયની સાથે બદલાતા ટીવી સેટની વાત હતી, આજે ટીવી વધારે બદલાઈને સપાટ સ્ક્રિનમાંથી હવે કર્વડ (વળાંક વાળા) ટીવીસેટ બજારમાં (અને આપણાં ઘરોમાં પણ) આવવા લાગ્યા છે ત્યારે આ વાત સહેજ સુધારીને ફરી લખવી પડે તેમ છે.

અંતર્ગોળ (કર્વડ) સ્ક્રિન ધરાવતા ટીવી સેટ

પહેલા બહીર્ગોળ કાચ ધરાવતા ટીવી આવતા હતા, પછી સપાટ સ્ક્રિન ધરાવતા ટીવી આવ્યા અને હવે (કર્વડ) અંતર્ગોળ સ્ક્રિન ધરાવતા ટીવી સેટ આવી ગયા છે. જ્યારે આપણાં શરીરના આકારનો બદલાવ ટીવીના આકાર કરતાં ઉલટો છે. સમયની સાથે સાથે આપણું શરીર અંતર્ગોળ (દબાયેલું પેટ) માંથી બહીર્ગોળ (ફૂલેલું પેટ) તરફ જઈ રહ્યું છે.

અંતર્ગોળ(દબાયેલા પેટ)માંથી બહીર્ગોળ (ફૂલેકા પેટ) તરફ

આ જ વાત આ પોસ્ટમાં કારકિર્દી સાથે સાંકળીને કરી હતી – કારકિર્દી અને પ્રગતિ

Nov 132014
 

પ્રિય મિત્રો,

મારે નિયમિત રીતે પુણેના એક જાણીતા મૉલમાં જવાનું થતું હોય છે.

ત્યાં હું પગે ચાલતો (કે બાઈક પર) જાઉં તો મારી બેગ ખોલીને ચેક કરવામાં આવે છે, સારી વાત છે. પણ જ્યારે હું કારમાં જાઉં ત્યાર ફક્ત કારની ડીકી ચેક કરવામાં આવે છે, બેગ ચેક કરવામાં આવતી નથી!

મને લાગે છે મૉલના સિક્યોરિટી મેનેજરને આતંકવાદીઓ તરફથી સોગંદનામું મળ્યું હોવું જોઈએ : “અમે જ્યારે તમારા મૉલમાં બોમ્બ પ્લાન્ટ કરીશું ત્યારે અમારો માણસ (આતંકવાદી) જો ચાલતો આવશે તો બોમ્બ બેગમાં લાવશે અને કારમાં આવશે ત્યારે ડીકીમાં!”

અહીં રજુ કરેલા ચિત્રમાં સિક્યોરિટી વિશેની આપણી ધારણા અને હકિકત એક સાથે એક જ ચિત્રમાં જોઈ શકાય છે:
સૌજન્ય moodyeyeview.wordpress.com
સૌજન્ય: moodyeyeview.wordpress.com

વિચારવા જેવું, અને જો કંઈ કહેવા જેવું લાગે તો કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

– વિનય ખત્રી