Jan 132016
 

પ્રિય મિત્રો,

૧૩/૩૬૬

નેટ પર જોડણી ભૂલવાળા ઘણાં ચિત્રો ફરતા હોય છે અને લાઈક, કોમેન્ટ્સ કે શેર મેળવતા હોય છે.

દા.ત.

child_cut

bed-shit

tailor

grape

એક સમયે મેં પણ આવી પોસ્ટ કરી છે. પછી સમજાયું કે ટ્રક/ટેમ્પો/રીક્ષા ડ્રાયવર કે માલિક, હજામ, જાદુગર, વેફરવાળા, નાના દુકાનદાર, દરજી, કાર ડ્રાયવર, ગૃહ ઉદ્યોગવાળા, રસ્તા પર શાક-ભાજી અને બીજી વસ્તુઓ વેચતા ફેરીયા અને એવા બીજા નાના વ્યવસાયિકો પોતાનું પાટિયું જાતે ચિતરાવતા હોય છે અને તેમનું બજેટ હોતું નથી કે તેઓ પ્રોફેશનલ લેખક પાસેથી લખાવે અને પછી ચિતરાવે કે છપાવે. (મોટા વ્યવસાયિક, જેમની પાસે આ બાબતો માટેનું બજેટ હોય છે તેઓ પણ પ્રોફેશનલની મદદ લેતા નથી, જુઓ આ લેખ શેરબાગનું આ પાટિયું અને નીચેનું ચિત્ર.)

sherbaug

આ નાના વ્યવસાયિકો બહુ ઓછા રીસોર્સિસ વડે પોતાનું પેટીયું રળતા હોય છે. તેઓ સાચી જોડણી કરે એવી અપેક્ષા રાખવી નકામી છે. ટ્રક/ટેમ્પોવાળો આપણો સામાન કે ટેક્ષી/રીક્ષાવાળો આપણને સમય સર અને સુખરૂપ યોગ્ય જગ્યાએ પહોંચાડી આપે તે વધારે મહત્વનું કે એણે જે સુવિચાર એના વાહન પાછળ ચિતરાવ્યું હોય તેની જોડણી? અખા ભગત તો વર્ષો પહેલા કહી ગયા છે – ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. તેઓ અભણ છે તેથી જ નાનો વ્યવસાય કે ટ્રક/ટેમ્પો/રીક્ષા/લારી ચલાવે છે, ભણેલા હોત તો કલાર્ક બની કોઈ ઓફિસમાં બેઠા હોત!

મને લાગે છે કે આવા લોકોની જોડણી ભૂલને સોસિયલ મિડિયામાં ફેરવવાને બદલે જોડાણીભૂલ સુધરાવવામાં (પાટિયું ફરીથી ચિતરાવી આપી કે નવું બનાવી આપી) યથા શક્તિ યથા યોગ્ય મદદ કરવી જોઈએ એને એ ફોટો સોસિયલ મિડિયામાં ફેરવી અન્યને એવું કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

charger

‘આ કારમાં મોબાઈલ ચાર્જર (ચાર્જ) કરવાની સુવિધા’ છે પાટિયામાં તો જોડણી ભૂલ નહીં પણ વ્યાકરણ ભૂલ છે. કારમાં મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા મળતી હોય તો તે ગુણ ગણવાને બદલે વ્યાકરણ ભૂલનો અવગુણ ગણનારને શું કહેશો?

બીજું લોકો ફિલ્મોમાં ભૂલ શોધવાની મહેનત કરતા હોય છે દા.ત. ‘શોલે’માં ઠાકુરના હાથ ક્યારે ક્યારે દેખાયા કે રામગઢમાં લાઈટ/પાણીના નળ નહોતા તો પાણીની ટાંકી કેમ હતી? કે ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’માં સંખ્યાબંધ ભૂલો છે. જુઓ નીચેનો વિડિયો.

જે ફિલ્મો સફળતાને વરી ચૂકી છે, લોકોએ વર્ષો સુધી તેને થિયટરમાં જોઈને ચલાવી છે કે ચલાવી રહ્યા છે તેમાંથી ભૂલ શોધીને શું ફાયદો? શોલે જેવી ફિલ્મ જે ૧૯૭૫માં રિલિઝ થઈ હતી અને તેની ભૂલો આજે બતાવીને શું ફાયદો? મારા હિસાબે તો ૧૯૭૫માં થયેલી ભૂલો આપણને ૨૦૧૫માં મળી એ આપણા ધીમા ચાલતા મગજની નબળાઈ જાહેર કરવા જેવું છે.

એક ઓફિસમાં જ્યાં બોસ અને કર્મચારી વચ્ચે મિત્રતાના સંબંધો છે અને સોસિયલ મિડિયામાં ફરતું સારું લખાણ બોસ સાથે શેર કરી શકાય એવું વાતાવરણ છે એવી ઓફિસમાં હું બેઠો હતો ત્યારે જ એક ઘટના બની. અકાઉન્ટન્ટે બોસને શોલેમાં ઠાકુરના હાથ કયા કયા સીનમાં દેખાયા તેની ઈમેઈલ મોકલાવી અને તે જ સમયે બોસે અકાઉન્ટન્ટને કઈ કઈ પાર્ટીને ક્યારે કયારે બમણું પેમેન્ટ અપાઈ ગયું છે તેની યાદી મોકલી!

અખબાર સામયિકો પાસે જોડણી ભૂલો ચકાસવા માટે ખાસ વ્યવસ્થા હોય છે તેઓ પણ રાઈસ બ્રાન ઓઈલને રાઈસ બ્રાન્ડ ઓઈલ કરી દેતા હોય છે તેનું શું? એકાદની ભૂલ હોય તો માફ કરીએ પણ જ્યારે એક કરતાં વધુ પ્રતિષ્ઠિત અખબાર/સામયિકોએ ભૂલ કરી હોય તો?

ricebran

મને તો એવો ય વિચાર આવે છે કે ચાલુ ગાડીએ ટ્રક પાછળનું લખાણમાં જોડણી ભૂલ જોવામાં અને તેનો ફોટો પાડવામાં ધ્યાન જવાથી થતા અકસ્માતનું પ્રમાણ કેટલું તેના આંકડાઓ બહાર પાડવા સંશોધન થવું જોઈએ.

જોડણી ભૂલ કે અંગ્રેજીનું જ્ઞાન જોવું જ હોય તો આપણાં લાડકાં સંતાનો જે શાળામાં ભણવા જાય છે ત્યાંનાં શિક્ષકોનું જોવું જોઈએ, ક્યાંક આવા શિક્ષક તો ત્યાં નથી ને? (જુઓ નીચેનો વિડિયો)

ટૂંકમાં ફિલ્મો માણવી અને હિસાબમાં ભૂલો કાઢવી, નાના વ્યવસાયિકોને બનતી મદદ કરવી અને આપણાં બાળકો જ્યાં ભણવા જાય છે ત્યાંના શિક્ષકોનું સ્તર કેવું છે તે જોઈ વિચારીને જે તે સ્કૂલમાં દાખલ કરવા. આ મારી સમજ છે, આપના વિચારો રજુ કરવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે…

– વિનય ખત્રી

  2 Responses to “ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર – અખા ભગત”

  1. રળતા નહી કે રડતા.

Leave a Reply

%d bloggers like this: