પ્રિય મિત્રો,

અઠવાડિયાના એક નાનકડા અવકાશ બાદ આજે આપણે સરખામણીની આ લેખમાળા આગળ વધારીએ તે પહેલાં એક મહત્વની વાત. આજથી નવરાત્રિ પ્રારંભ થાય છે, ફનએનગ્યાન.કોમના બધા વાચકો અને બ્લૉગર મિત્રોને આદ્યશક્તિની આરાધનાના નવલા નવ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આજનો વિષય છે બ્લૉગ માટેની માનીતી અને જાણીતી સેવાઓ ઓટોમેટિકની વર્ડપ્રેસ બ્લૉગ અને ગૂગલની બ્લૉગર (બ્લૉગસ્પોટ) બ્લૉગની સરખામણી, તો શરૂ કરીએ?

  1. વર્ડપ્રેસ અને બ્લૉગર બંને બ્લૉગ સેવાઓ મફત છે. બંને સેવાઓ બ્લૉગ માટેની જરૂરી એવી માળખાગત સુવિધા પુરી પાડે છે.
  2. વર્ડપ્રેસ બ્લૉગ પર જાહેરાતો દર્શાવી શકે છે, જાહેરાતો હટાવવી હોય તો પૈસા ચૂકવવા પડે. બ્લોગર બ્લોગ પર જાહેરાતો દર્શાવતું નથી (મારા ખ્યાલ પ્રમાણે, મારી ભૂલ થતી હોયતો સુધારજો, બ્લોગરનો મને બહુ અનુભવ નથી, વર્ડપ્રેસની સરખામણીમાં!)
  3. વર્ડપ્રેસ ત્રણ જીબી જેટલી જગ્યા આપે છે, બ્લૉગર એક જીબી જેટલી.
  4. વર્ડપ્રેસ બ્લૉગ સાથે  ’અકિસ્મેટ’ નામની સ્પામ બ્લૉક સેવા હાજર છે, બ્લૉગર બ્લૉગ સાથે એવી કોઈ સેવા નથી.
  5. વર્ડપ્રેસ ઓપન સોર્સ સોફ્ટવેર ધરાવે છે, બ્લૉગરનો સોફ્ટવેર ઓપન સોર્સ નથી.
  6. વર્ડપ્રેસ બ્લૉગ કે બ્લૉગર બ્લૉગ જેમ છે તેમ વાપરવા માટે કોઈ પણ જાતની ટેક્નિકલ જાણકારી હોવી જરૂરી નથી. બ્લૉગરમાં થીમ (ટેમ્પલેટ), વિજેટ વગેરેમાં ફેરફાર કરી શકાય છે. ફેરફાર કરવા માટે એચટીએમએલની જાણકારી હોવી જરૂરી છે.
  7. વર્ડપ્રેસ બ્લૉગ પર બ્લૉગ પોસ્ટ ઉપરાંત પાનાંઓ બનાવી શકાય છે, બ્લૉગર પર આ સુવિધા બહુ પાછળથી ઉમેરવામાં આવી.
  8. વર્ડપ્રેસ નિયમિત સુધારા વધારા કરતું રહે છે, નવા થીમ ઉમેરતું રહે છે, બ્લૉગર અપડેટ કરવામાં ધીમું છે.
  9. વર્ડપ્રેસ બ્લૉગ પર ચિત્રો (ફોટા), વિડિયો ઉપરાંત પોર્ટેબલ ડોક્યુમેન્ટ (પીડીએફ), વર્ડ ફાઈલ (ડોક) અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મૂકી શકાય છે જ્યારે બ્લૉગર પર ફક્ત ચિત્રો (ફોટા) અને વિડિયો મુકી શકાય છે પણ પીડીએફ, વર્ડફાઈલ કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મૂકી શકાતા નથી.
  10. વર્ડપ્રેસ પર પોતાનું થીમ મૂકી શકાતું નથી કે થીમમાં ફેરફાર કરી શકાતો નથી, બ્લૉગર પર પોતાનું થીમ મૂકી શકાય, થીમમાં ફેરફાર કરી શકાય છે. પોતાનો થીમ બનાવવા માટે કે થીમ/ટેમ્પલેટમાં ફેરફાર કરવા માટે એચટીએમએલ/જાવા વગેરેની જાણકારી હોવી  જરૂરી.
  11. વર્ડપ્રેસ બ્લૉગનો તમામ ડેટા (પોસ્ટ, કૉમેન્ટ, કેટેગરી, ટેગ્સ સહિત) ઈમ્પોર્ટ/એક્ષપોર્ટ કરી શકાય છે. અન્ય બ્લોગ (દા.ત . બ્લૉગર)નો ડેટા વર્ડપ્રેસમાં લઈ શકાય છે. બ્લોગરમાં ફક્ત બ્લોગરનો જ ડેટા લઈ શકાય છે. અન્ય બ્લૉગ માટે થર્ડપાર્ટી સોફ્ટવેર વાપરવું પડે અને તેમાં પણ કેટલાક લિમિટેશન હોય છે.
  12. વર્ડપ્રેસ ખાનગી બ્લૉગ (જેની પાસે પાસવર્ડ હોય તે જ વાંચી શકે, અંગત ડાયરીની જેમ) બનાવવાની સગવડ આપે છે પણ ૩૫થી વધુ વાચકો (કે સભ્યો) બનાવવા માટે પૈસા ચૂકવવા પડે. બ્લૉગર ખાનગી બ્લૉગ પર ૧૦૦ સભ્યો (વાચકો) મફત ઉમેરવા આપે છે.
  13. વર્ડપ્રેસ બ્લૉગનો દેખાવ (સ્ટાઈલ શીટ) બદલવા માટે પૈસા ચૂકવવા પડે. બ્લૉગર પર મફત છે.
  14. વર્ડપ્રેસ બ્લૉગ સલામતીના કારણોસર જાવા સ્ક્રિપ્ટ કે બીજી કોઈ પણ સ્ક્રિપ્ટ (પ્રોગ્રામ કોડ) ચલાવવા દેતું નથી. દા.ત. બ્લૉગની એલિઝા રેન્ક દર્શાવતું વિજેટ મૂકવું હોય તો વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ પર તે શક્ય નથી. બ્લોગર જાવા સ્ક્રિપ્ટ મૂકવાની છૂટ આપે છે.
  15. બંને પ્રકારના બ્લૉગને પોતાના ડોમેઈન (દા.ત. માયબ્લૉગ.કોમ) સાથે સાંકળી શકાય છે, વર્ડપ્રેસ પર તેના પૈસા ચૂકવવા પડે છે જ્યારે બ્લૉગર પર મફત છે.
  16. વર્ડપ્રેસ બહુ જ સરસ રીતે બ્લૉગના ટ્રાફિક બાબતની વિસ્તૃત માહિતી આપે છે, બ્લૉગર પર આ સુવિધા હમણાં શરૂ થઈ અને લોકો કહે છે કે બહુ સારી નથી. થર્ડપાર્ટી કાઉન્ટર મૂકવા પડે.
  17. બંને બ્લોગ પર ઈમેઈલ વડે પોસ્ટ મૂકી શકાય છે.
  18. બંને બ્લૉગ મોબાઈલ પર જોઈ શકાય છે, જો કે વર્ડપ્રેસ વધુ સારી સગવડ અને અલગ અલગ મોબાઈલ માટે આપે છે.
  19. બંને બ્લોગ પર અન્ય સાઈટની લિન્ક મૂકી શકાય છે, જો કે વર્ડપ્રેસની સુવિધા ચડિયાતી છે.
  20. બંને બ્લોગ પર વિજેટની સગવડ છે પણ વર્ડપ્રેસ પર નક્કી કરેલા વિજેટ જ વાપરી શકાય છે, તેમાં ફેરફાર કરી શકાતો નથી કે નવો વિજેટ ઉમેરી શકાતો નથી. થીમ બદલવાની સાથે વિજેટ યથાવત રહે છે, ફેરફાર કરવા પડતા નથી. બ્લૉગર પર વિજેટમાં ફેરફાર કરી શકાય અને નવો વિજેટ પણ ઉમેરી શકાય છે, જો કે થીમ બદલવાની સાથે વિજેટમાં ફરી ફેરફાર કરવા પડે.
  21. વર્ડપ્રેસ પર બ્લૉગનું યુઆરએલ બદલી શકાતું નથી દા.ત. પહેલા મને ભજનમાં આનંદ મળતો હતો એટલે ‘ભજનાનંદ’ નામ રાખ્યું હતું હવે ભોજનમાં આનંદ મળે છે તો ‘ભોજનાનંદ’ કરવું છે તો તે થઈ શકે નહીં, ‘ભજનાનંદ’ પરથી ડૅટા એક્ષપોર્ટ કરી ‘ભોજનાનંદ’ નામનો નવો બ્લૉગ બનાવી તેના પર ડેટા  ઈમ્પોર્ટ કરવો પડે. બ્લૉગરમાં બદલી શકાય.
  22. વર્ડપ્રેસ પર ‘કેટેગરી’ (વિભાગ) અને ‘ટેગ્સ’ એમ બે સુવિધાઓ છે જ્યારે બ્લોગર પર ‘લેબલ’ની સગવડ છે.
  23. વર્ડપ્રેસ પર કોઈ એક પોસ્ટને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકાય જેથી જેની પાસે પાસવર્ડ હોય તે જે તે પોસ્ટ વાંચી શકે. બ્લૉગર પર આ સુવિધા નથી.
  24. બંને બ્લોગ પર એક કરતાં વધુ યુઝર ઉમેરી શકાય છે, અલબત્ત વર્ડપ્રેસ વધારે વિકલ્પ આપે છે.
  25. બંને બ્લોગ સેવા વડે એક કરતાં બધુ બ્લૉગ બનાવી શકાય છે (આ સુવિધા વર્ડપ્રેસ પર પાછળથી ઉમેરવામાં આવી છે)
  26. વર્ડપ્રેસ પર્માલિન્કના વધુ વિકલ્પ આપે છે જ્યારે બ્લોગર પાસે વિકલ્પ ઓછા છે પણ ગુજરાતી લખાણવાળી લિન્ક વર્ડપ્રેસમાં બહુ લાબી થાય જ્યારે બ્લૉગરમાં તેમ થતું નથી.
  27. વર્ડપ્રેસ પર સ્માઈલી :) દર્શાવી શકાય છે, બ્લોગર પર નથી દર્શાવી શકાતા! :(
  28. વર્ડપ્રેસ પર પોસ્ટ કે કૉમેન્ટની અંદરનું લખાણ બહુ સરળાતાથી શોધી શકાય છે, બ્લૉગર પાછળ છે.
  29. વર્ડપ્રેસ બ્લૉગની પોસ્ટ શેર કરવના સંખ્યાબંધ વિકલ્પ છે અને તેમાં ઉમેરો કરી શકાય છે, બ્લોગર પર જીમેઈલ, બ્લૉગર, ટ્વિટર, ફેસબુક, ગૂગલ બઝ અને ગૂગલ પ્લસ જેવા વિકલ્પ છે, અન્ય વિકલ્પ માટે થર્ડપાર્ટી સોફ્ટ્વેર વાપરવું પડૅ.
  30. વર્ડપ્રેસ પર કૉનેટેક્ટ ફોર્મની સુવિધા છે જેના વડે વાચકો પાસેથી માહિતી મેળવીને એકઠી કરી શકાય છે, બ્લૉગર પર આ સુવિધા ન હોવાથી થર્ડપાર્ટી સોફ્ટવેર વાપરવું પડે.
  31. વર્ડપ્રેસ બ્લૉગ માટે બ્લૉગ ઓફ ધ ડેટોપ પોસ્ટ અને ટેગ્સ સેવા વડે બ્લૉગને વધારાના વાચકો મળે છે, આવી કોઈ સગવડ બ્લૉગર માટે હોય તેવું મારી જાણમાં નથી.
  32. બ્લૉગર પરથી વર્ડપ્રેસ પર શિફ્ટ થવું સરળ છે, વર્ડપ્રેસ પરથી બ્લૉગર પર જવું અઘરું છે, થર્ડપાર્ટી સેવા પર નિર્ભર છે.

નોંધ: અહીં વર્ડપ્રેસ હોસ્ટેડ (મફત) બ્લૉગની બ્લૉગર સાથે સરખામણી કરી છે, વર્ડપ્રેસ હોસ્ટેડ અને સેલ્ફ હોસ્ટેડની સરખામણી માટે અહીં ક્લિક કરો.

અપડેટ: ચિરાગભાઈએ આપેલી પૂરક માહિતીને આધારે પોઈન્ટ નં ૬ અને ૧૦ સુધારી લીધા છે.

વિશેષ વાંચન: આ વિભાગની અન્ય પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો.

હવે પછીની પોસ્ટ: સરખામણી: બ્લૉગ કે (સાહિત્યની) પરબ?

તમારા મનમાં ઉદ્‍ભવતા પ્રશ્ન, દલીલ, મુદ્દા, સૂચન વગેરે માટે આ લેખની નીચેનું કૉમેન્ટ બોક્ષ રાહ જુએ છે!

તાજા સમાચાર: વિક્રમ સંવત ૨૦૬૯માં તમારી ગુજરાતી વેબસાઈટ/બ્લૉગ સર્ફ કરવાની પદ્ધતિ ધરમૂળથી બદલાઈ જશે! આવી રહી છે એક નવી સુવિધા: સર્ફગુજરાતી.કોમ, આ દિવાળીએ, તમારા બ્રાઉઝરમાં!


  12 Responses to “સરખામણી: વર્ડપ્રેસ બ્લૉગ કે બ્લૉગર (બ્લૉગસ્પોટ) બ્લૉગ?”

  1. બ્લોગ્ગર પરથી વર્ડપ્રેસ પર શીફ્ટ થવું સહેલું છે ? કેવી રીતે ? અત્યારના વાચકો ગુમાવ્યા વિના ?

  2. બ્લોગરનો મને એક જ ફાયદો લાગે છે. ટેમ્પલેટમાં ફેરફાર કરી શકવાનો :)

  3. got useful information..thanks Vinaybhai..

  4. વિનય ભાઈ એ ખૂબ વિસ્તૃત ટેકનીક્લ માહિતી સભર સરખામણી કરી છે. હું બ્લોગર થી પરિચિત છુ વર્ડ પ્રેસ પર બ્લોગ બનાવવા કોશીશ કરી પણ બહુ મજા ન પડી એટલે બ્લોગરને જ વળગીને અપડેટ થયા કર્યુ. એટલે આજે મેરા “બ્લોગર” મહાન લખવા કોશીશ કરીશ …..! ખાસ સ્પષ્ટતા- મારે બ્લોગર કે વર્ડપ્રેસ બેમાંથી એકેયની એજેન્સી નથી તે લાગતા વળગતાઓ એ નોંધ લેવી.

    - બ્લોગર પર જાહેરાતો દર્શાવવી કે નહિ તે લેખક ના પોતાના હાથમાં છે. વળી જો જાહેરખબરથી પૈસા કમાવવા માગતા હોય તો મોનેટાઈઝેશન ની સુવિધા ઉપલબ્ધ છે. આપના બ્લોગ પર થયેલી ક્લિક્સ અનુસાર આપ પૈસા મેળવી શકો છો.

    - બ્લોગર પર પણ ખૂબ આસાનીથી સામાન્ય બ્લોગ પોસ્ટ અપડેટ કરી શકાય છે html જાણ કારી જરુરી નથી. પણ જો હોય તો આપ ઘણુ સુંદર રીતે કાર્ય પ્રસ્તુત કરી શકો.

    - બ્લોગર પર થીમ બદલવાનું કે ટેમ્પ્લેટ બદલવાના અઢળક વિકલ્પ છે. અને તદ્દન મફત આપ તે વાપરી શકો છો.
    બ્લોગર નવા ડોમેન નેમ સાથેના બ્લોગ ને તો ફ્રી સર્વિસ આપેજ છે પણ તમારા જૂના બ્લોગ ના વેબ આઈડી પર થી પણ આ બ્લોગ પર લઈ જાય છે. દા.ત. મારો બ્લોગ abc-blogspot.com હોય અને પછી હું એક ડોમેન નેમ maulik.com ખરીદુ તો હવે બ્લોગરના સેટિંગમાં થોડા ફેરફાર કરી મારા બ્લોગનું વેબ આઈડી ત્યારબાદ થી maulik.com કરી શકુ અને હવે જો મારા બ્લોગ ના મૂળ વાચકો જો તેમના રેકોર્ડ અનુસાર abc-blogspot.com ક્લિક કરે તો પણ તે maulik.com પર પહોંચી જશે….!

    -બ્લોગર બ્લોગ પર આપ પીડી.એફ –પ્રેઝેંટશન વિ. સીધુ અપલોડ નથી કરી શકતા પણ આજ વસ્તુ સરળતાથી એમ્બેડ કરી શકાય છે.

    - બ્લોગર દ્વારા કદાચ વર્ડપ્રેસ ની જેમ ગુજરાતી બ્લોગર સર્કલ ન બને પણ ગૂગલનું વિશ્વવ્યાપી નેટવર્ક મળે છે અને કદાચ વિશ્વના નંબર 1 સર્ચ એંજીન માં આપના લેબલ વડે સતત દેખાવાનો લાભ… !

    - બ્લોગરમાં યુ ટ્યુબ વિડીયો સીધાજ અપલોડ થશે. માત્ર લિંક આપવાથી પતી ગયુ.

    - બ્લોગરનું ફોર્મેટ શરુઆતી બ્લોગર માટે ઘણુ સહેલુ મને લાગેલુ.

    - બ્લોગર ના બ્લોગને સરળતાથી વિશ્વ વ્યાપી ગૂગલ એનાલયટીક્સ નો લાભ પ્રાપ્ત થઈ શકે છે જેના દ્વારા આપના બ્લોગ કે વેબ નો અત થી ઈતિ સુધીનો હાઈટેક ચિતાર આપતા દરેક આંકડા જોઈ શકાય છે.

  5. વિનયભાઈ,

    લેખ બદલ આભાર.

    બાકી બધું બરાબર છે, માત્ર આપનો મુદ્દા નંબર ૬ તદ્દન અયોગ્ય લાગે છે. બ્લોગરને વાપરવા HTML ની કોઈ પણ જાણકારીની જરૂર નથી. તેના વિના પણ બ્લોગર સરળતાથી વાપરી શકાય છે. એજ વાત મુદ્દા નંબર ૧૦ માટે પણ કહી શકાય. થીમ બદલવા માટે પણ HTML ના જ્ઞાનની કોઈ જ જરૂરિયાત નથી. (સિવાય કે તમારે તમારી પોતાની થીમ વાપરવી હોય અથવા ઓફર થયેલી થીમ્સમાં એવા ફેરફાર કરવા હોય, જે બ્લોગર સીધી રીતે થવા દેતું નથી.)

    બંને સુવિધાઓમાં Pro & Cons છે. મને બ્લોગરમાં સૌથી વધારે ગમતી વાત છે તેમાં ઉમેરી શકાતાં થર્ડ પાર્ટી વિજેટ્સ, જે તેના તમામ લિમિટેશન્સને દૂર કરી શકે છે. વર્ડપ્રેસમાં સૌથી વધારે ગમતું હોય તો એ તેની કોમેન્ટ સિસ્ટમ કે જેમા twitter અને facebook ના આઈ.ડી. વડે પણ કોમેન્ટ્સ થઈ શકે છે. બંનેમાં શું નથી ગમતું એ નક્કી નથી કરી શકતો, કારણ કે બ્લોગિંગ આમ પણ મને બહુ પ્રિય છે અને પેલું નથી કહેતાં Bloggers and WordPressers do not have a choice. :)

    સસ્નેહ.

  6. ખૂબ સરસ જાણકારી. વર્ડપ્રેસમાં બ્લોગ બનાવ્યો ત્યારે સાથે બ્લોગરમાં પણ બનાવ્યો હતો. પણ વર્ડપ્રેસ જેવું ફાવ્યું નહોતું પરિણામે બંધ કર્યો હતો.

  7. વિનયભાઈ,
    ખૂબ જ સુંદર માહિતી બદલ આભાર પરંતુ મેં હમણા જ મારો બ્લોગ વર્ડપ્રેસ ઉપર બનાવ્યો પરંતુ તેમાં કઈં જ ખબર પડતી નથી. કદાચ મારે માટે નવું હશે એટલે પરંતુ એક વાત ચોક્કસ છે કે બ્લોગર જેટલું વર્ડપ્રેસ યુઝર ફ્રેન્ડલી નથી જણાતું.

    • વર્ષો પહેલા જ્યારે મેં બ્લૉગર.કોમ પર મારો પહેલો બ્લૉગ બનાવ્યો હતો ત્યારે મને પણ આવી જ લાગણી થઈ હતી. પછી બ્લૉગર મિત્રોને/તેમની સલાહને અનુસરીને વર્ડપ્રેસ પર બ્લૉગ બનાવ્યો (http://tadafadi.wordpress.com) અને પરિણામ આપની સામે છે.

      મેં પણ વર્ડપ્રેસની એજન્સી લીધી નથી, તેમ છતાં વર્ડપ્રેસ બ્લૉગ સેવા વિશેની વાતો કરું છું તેમાં મારો અન્ય બ્લૉગ સેવાનો અનુભવ અને વર્ડપ્રેસનો પાંચ વર્ષનો અનુભવ ભળેલો છે. અન્ય બ્લૉગ સેવા ખરાબ છે એવું હું નથી કહેતો. મને તેમની સાથે ન ફાવ્યુ અને વર્ડપ્રેસ સાથે ફાવી ગયું, બસ એટલું જ!

  8. તમારો આ શિક્ષણક્લાસ એટેન્ડ કરવામાં આનંદ ને સંતોષ મળે છે.

    વ.પ્રે. ૩ જીબી જ આપે છે એ કયા અર્થમાં ? આપણે મૂકેલી માહિતી માપવી હોય તો કઈ રીતે જાણી શકાય ?

    ખૂબ આભાર સાથે…

    • વર્ડપ્રેસ બ્લૉગની કંટ્રોલ પેનલમાં ‘મિડિયા’ પર ક્લિક કરી કેટલી સ્પેસ વપરાઈ તે જાણી શકાય છે.

  9. વિનયભાઈ,
    ”આ તો એવી વાત છે કે :એક વિસ્તારમાં ફાવી ગયું હોય તો બીજા વિસ્તારમાં ગોઠવાવું અઘરું લાગે. મને વર્ડપ્રેસ માફક આવ્યું છે. છતાંય બ્લોગરમાં એકાદ પ્લોટ લઈ રાખ્યો છે! :)
    સહુ સહુની પસંદ. છેવટે તો ઘરાકી મેળવવાની વાત છે. :smail:

  10. VERY NICE INFORMATION..!!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME