Apr 302011
 

પ્રિય મિત્રો,

સમયાંતર વર્ડપ્રેસ પોતાને અપ-ટુ-ડેટ રાખે છે તેને કારણે આપણે નવી નવી સુવિધાઓ વાપરવા મળે છે અને બ્લોગ ‘લખવા’નું કામ (બ્લોગિંગ) દિવસે ને દિવસે સરળ થતું જાય છે.

તાજેતરમાં જે સુવિધા ઉમેરવામાં આવી છે તે છે રાઈટિંગ હેલ્પર

આ સુવિધા પોસ્ટ એડિટરની (જ્યાં આપણે પોસ્ટ લખીએ તેની) નીચે આવેલી છે. (જુઓ ચિત્ર)

આ સુવિધા અંતર્ગત કૉપી અ પોસ્ટ અને રીક્વેસ્ટ ફીડબેક એમ બે સુવિધાઓ છે, ચાલો એક એક કરીને સમજીએ…

સૌપ્રથમ કૉપી-અ-પોસ્ટ: નામ વાંચી ગેરસમજ ન કરતા. ના, આ સુવિધા અન્ય બ્લોગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવીને પોતાના બ્લૉગ સમૃદ્ધ કરતા કૉપી-પેસ્ટીયાઓ માટે નથી. આ સુવિધા જે બ્લોગરને પોતાની અગાઉ પ્રસિદ્ધ થયેલી પોસ્ટનું લખાણ કૉપી-પેસ્ટ કરી નવી પોસ્ટ બનાવવી છે તેમના માટે છે. આ સુવિધા વડે પોસ્ટ કૉપી કરીએ તો પોસ્ટના લખાણની સાથે પોસ્ટનું મથાળું, ટેગ્સ (લટકણીયા), વિભાગ (કેટેગરી) વગેરે પણ કૉપી થાય છે જેથી આપણે એટલો સમય બચે છે.

હવે જોઇએ રીક્વેસ્ટ અ ફીડબેક: આ સુવિધા વડે તમે તમારા મિત્ર/માર્ગદર્શક પાસેથી પોસ્ટ પ્રસિદ્ધ કર્યા પહેલા પ્રતિક્રિયા મેળવી શકો છો. તેઓ લખાણમાં રહેલી જોડણી ભૂલો, માહિતી દોષ, વધુ સારી રીતે રજુ કરવાના સૂચન વગેરે આપી શકે છે અને તમે પોસ્ટને વધારે સારી રીતે રજુ કરી શકો છો. રીક્વેસ્ટ અ ફીડબેક ક્લિક કરશો એટલે એક બોક્સ ખુલશે જેમાં તમે તમને મદદ કરે તેવા મિત્રોના ઈમેઈલ એડ્રેસ લખી દો. તેમને એક ખાસ ખાનગી લિન્ક મળશે જેને ક્લિક કરીને તેઓ તમારું લખાણ વાંચી શકશે. તેઓએ આપેલી પ્રતિક્રિયા પોસ્ટ રીક્વેસ્ટ ફીડબેક વિસ્તારમાં દેખાશે જેને અનુસરીને તમે તમારું લખાણ મઠારી શકો છો.

આવતી કાલે ગુજરાત દિવસ છે, સાથે સાથે મહારાષ્ટ્ર દિવસ પણ છે! લેબર ડે પણ ખરો, પણ હોલી ડે (રજા) નથી, કારણ કે રવિવાર છે!

આગોતરી શુભેચ્છાઓ.

Apr 272011
 

પ્રિય મિત્રો,

ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં ભવેનભાઈ કચ્છીની કૉલમ હોરાઇઝનમાં એક સરસ મજાનો લેખ આવ્યો છે:

‘અમે બિલની રકમ ચૂકવી દીધી છે. પછી અમારી મરજી, વાનગી વધારીએ પણ ખરા’ જર્મન અધિકારીએ કડકાઈથી કહ્યું ‘મની ઇઝ યોર્સ બટ રિસોર્સિઝ બિલોંગ ટુ સોસાયટી’ ’જર્મનીમાં ગ્રુપસ્ટડી એકસચેંજ કાર્યક્રમ અંતર્ગત ગયેલા મિત્રએ પ્રવાસ દરમ્યાન તેઓને થયેલ ચોટદાર અનુભવ ઈ-મેઈલ દ્વારા મોકલ્યો છે.

તેઓનું ગ્રુપ હેમ્બર્ગની એક રેસ્ટોરામાં ભોજન લેવા ગયું હતું. અવનવી વાનગીઓનો ઓર્ડર બધા પોતપોતાની રીતે આપવા માંડ્યા, વેઈટર પણ કુતૂહુલતા સાથે ઓર્ડર નોંધતો ગયો. તેના ચહેરા પરથી એ શંકા અને આશ્ચર્યના એવા ભાવાંકનો સ્પષ્ટ જોઈ શકતા હતા કે, ‘આ ગ્રુપ જે રીતે વાનગીઓની યાદી લખાવે છે તે જોતા બે-ચાર દિવસનો ઉપવાસ કરીને આવ્યા લાગે છે. આટલું બઘું હજમ કરી નાંખશે?’

જોતજોતામાં આખું ટેબલ વાનગીઓ ભરેલી પ્લેટોથી ભરાઈ ગયું. આપણા ભારતીય મિત્રોની આ ભોજન જયાફત માંડ ૧૫-૨૦ મિનિટ ચાલી હશે ત્યાં તો બધા ધરાઈ ગયા. રોફભેર બિલ મંગાવ્યું. મેનેજરે આઘાત અનુભવતા કહ્યું કે, ‘તમે આટલું બઘું ભોજન વધાર્યું? હું તમને વિનંતી કરૂં છું કે તમે થોડું વધારે બેસો અને વધેલી વાનગીઓ પુરી કરો. હું જાણું છું કે તમે વિદેશી છો…’ ટેબલ પર આપણા આ ગ્રુપે જે ભોજનનો ઓર્ડર કર્યો હતો તેના ત્રીજા ભાગનું વઘ્યું હતું. પણ આપણા માટે આ રીતે ઓર્ડર આપીને વધારવું કંઈ નવી વાત નહોતી. આપણે ત્યાં તો હોટલના મેનેજરને પણ તેમાં કંઈ અજુગતુ નથી લાગતું હોતું. પણ અહીં હેમ્બર્ગની આ રેસ્ટોરાનો મેનેજર આપણા ગ્રુપને થોડી ચેતવણી અને થોડી કાકલુદી મિશ્રિત ટોનમાં જણાવી રહ્યો હતો કે, ‘ભાઈ સાહેબ, કંઈ બગાડ કર્યા વગર ટેબલ છોડો તો સારું.’

આગળ વાંચવા માટે ગુજરાત સમાચારની વેબસાઈટની મુલાકાત લો.

Apr 262011
 

પ્રિય મિત્રો,

આજે ૨૬મી એપ્રિલ. આજે વિશ્વ બૌધિક સંપતિ દિવસ છે.

બીજું, ગયા રવિવારે અમારા વિસ્તારના રહેવાસીઓ મળીને એક પૂણ્યનું કામ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે માટે મિટિંગ બોલાવી હતી. હું એક કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપવા મુંબઈ ગયો હતો તેથી આ મિટિંગમાં હાજર રહી શક્યો નહોતો. સોમવારે મુંબઈથી આવીને પડોસીઓ પાસેથી મિટિંગનો અહેવાલ મેળવ્યો અને તેમાં કલ્પનાના રંગો ઉમેરીને અહીં એક કટાક્ષ કથા તરીકે રજુ કરું છું આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે:

પાણી પીવડાવવાનું પૂણ્ય અને પીવાના પાણીની સમસ્યા

ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને થર્મોમિટરનો પારો ઊંચેને ઊંચે જઈ રહ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં વટેમાર્ગુની તૃષાતૃપ્તિ માટે પાણીની પરબ બનાવવી એવો પ્રસ્તાવ સિનિયર સિટિઝન તરફથી આવ્યો અને બધાએ મળીને આ પરોપકાર્ય કરી પૂણ્ય કમાવવાના પ્રસ્તાવને વધાવી લીધો.

પરબ માટે દરેક રહેવાસીએ પોતાના તરફથી યથાશક્તિ યોગદાન આપવાની અપીલ થઈ અને જોત જોતામાં પાણીના માટલા અને પ્યાલા માટેનું યોગદાન આપવા માટે રહેવાશીઓ આગળ આવ્યા અને અમારી બિલ્ડિંગની બી વિંગમાં ચોથા માળે રહેતા એક ભાઈએ માટલું અને બે પ્યાલાનું યોગદાન આપીને શુભ કાર્યની શરૂઆત કરી. તેમને જોઈને ડી વિંગમાં પહેલા માળે રહેતા ભાઈએ પણ પોતાના તરફથી એક માટલું અને બે પ્યાલા નોંધાવ્યા. આમ માટલા અને પ્યાલાની વ્યવસ્થા થઈ ગઈ.

આટલું થયું એટલે કોઈ બોલ્યું કે ૫૦ ટકા કામ પત્યું. પછી વાત આવી પરબ માટે જગ્યાની. તે માટે બધાની નજર અમારા વિસ્તારના રાજકી કાર્યકર તરફ ફરી અને તેમણે આ જવાબદારી પોતાના પર લઈ લીધી. છેલ્લે વાત આવી પાણીની. અમારા વિસ્તારમા પીવાના પાણીની બહુ જ સમસ્યા છે અને બોરવેલનું પાણી પીવા માટે યોગ્ય ગણવામાં આવતું નથી. નગરપાલિકા તરફથી આપાતું પીવાનું પાણી બહુ ઓછા સમય માટે અને અમુક બિલ્ડિંગમાં જ આવે છે.

એટલે (પીવાના) પાણીની ગંભીર સમસ્યા છે. હવે આનો ઉકેલ કેમ લાવવો તે માટે બહુ લાંબી ચર્ચા થઈ. રહેવાસીએ પોતાની રીતે અલગ અલગ ઉપાય સૂચવ્યા. તેમાંથી એક ઉપાય મને રસપ્રદ લાગ્યો તે એ હતો કે પાણી આપણે મીઠા પાણીથી છલોછલ ભરેલી અન્ય પરબમાંથી પાણી લઈ આવીને આપણી પરબના માટલામા રેડી દેશું! સિદ્ધાંતવાદી વડિલોએ આ પ્રસ્તાવ સખત રીતે વખોડી કાઢ્યો અને પાણીની વ્યવસ્થા ન થાય તો પરબનો વિચાર માંડીવાળવાનું કહ્યું. વ્યવહારીક વ્યક્તિઓનું કહેવું એમ હતું કે ઘી ક્યાંથી આવ્યું તે જોવાનું ન હોય, પરોપકારનો દિવડો સળગતો રહેવો જોઈએ.

આપનું શું કહેવું છે! પીવાના પાણીની સમસ્યા છે તો શું પાણી પીવડાવવાની પરબ બનાવવી જોઈએ કે નહીં? કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

Apr 252011
 

પ્રિય મિત્રો,

આજે ૨૫ એપ્રિલ. આજે આંતર રાષ્ટ્રિય મલેરિયા જાગૃતિ દિવસ છે.

બીજું, વર્ડપ્રેસ તરફથી સમયાંતરે સુવિધાઓ ઉમેરવામાં આવતી હોય છે. તાજેતરમાં એક નવો અને મજાનો થીમ ઉમેરવામાં આવ્યો છે: મિસ્ટિક

ડિજિટલ નેચરએ ડિઝાઈન કરેલો આ મસ્ત મજાનો અને ઢગલાબંધ વિકલ્પો ધરાવતો થીમ હમણાં સુધી ફક્ત સેલ્ફહોસ્ટેડ (દા.ત. ફનએનગ્યાન.કોમ) બ્લોગ માટે વાપરી શકાતો હતો અને થીમ પરિચય પખવાડિયા દરમ્યાન આ થીમનો આપણે પરિચય કર્યો હતો અને ઘણાંને ગમ્યો હતો.

હવે આ થીમ વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ (દા.ત. બ્લોગ.વર્ડપ્રેસ.કોમ)  માટે પણ વાપરી શકાશે. બહુ બધા વિકલ્પો વાળા આ થીમમાં છ અલગ અલગ કલર સ્કિમ છે. એક, બે કે ત્રણ કૉલમ લે-આઉટ પસંદ કરવાના વિકલ્પ છે. બ્લોગની નીચે ચાર અલગ અલગ રીતે વિજેટ દર્શાવી શકાય છે. પોસ્ટ ફોર્મેટ સપોર્ટ કરે છે. સોસિયલ (ફેસબૂક/ટ્વિટર વગેરે) સાઈટ માટેની લિન્ક્સ આઈકોન સાથે મથાળામાં દર્શાવવાની સુવિધા ધરાવે છે. એક વિશેષ વિજટ સાથેનો આ થીમ વિશિષ્ઠ પોસ્ટને વિશેષ રીતે દર્શાવવા માટે સજ્જ છે.

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે તમારા બ્લોગની કંટ્રોલ પેનલમાં અપિયરન્સ પર ક્લિક કરો.

(માહિતી અને ચિત્ર સૌજન્ય વર્ડપ્રેસ બ્લોગ)

 

 

Apr 232011
 

પ્રિય મિત્રો,

આજે વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ છે.

લોકોના ઘરોમાં મનોરંજનના સાધનો (ટીવી/ડીવીડી/કૉમ્પ્યુટર/ઈન્ટરનેટ) વધવાને કારણે પુસ્તક વાંચવાનું ઘટતું ગયું છે. આ બહુ જ ચિંતા જનક બાબત છે, ગ્લોબલ વોર્મિંગ કરતાં પણ વધારે ચિંતા જનક.

એટલી જ ચિંતાજનક બાબત છે કૉપીરાઈટ. બ્લૉગ જગતમાં કૉપીરાઈટ બાબત બહુ જ ઉદાસીનતા જોવા મળે છે. શ્રી માર્કંડભાઈ દવેએ બહુ મહેનત લઈને કૉપીરાઈટ વિશે એક સરસ મજાનો માહિતીપ્રદ લેખ લખ્યો છે: કૉપીરાઈટ ઍક્ટ – હાથવગી હેન્ડબૂક. આજે કૉપીરાઈટ દિવસ નિમિત્તે હું સર્વેને એ લેખ વાંચવાની ભલામણ કરીશ અને દરેક બ્લોગરને પોતાના બ્લોગ પર આ લેખની લિન્ક મૂકીને વધુમાં વધુ લોકો સુધી આ લેખ પહોંચે તેવી વિનંતી કરીશ.

Powered By Indic IME