પ્રિય મિત્રો,
બ્લૉગ જગતમાં આજકાલ જે કંઈ થઈ રહ્યું છે તે વિશે જાણીતા કવિ શ્રી પંચમભાઈ શુક્લએ લંડનથી એક મસ્ત મજાની હઝલ લખી મોકલાવી છે. હઝલની શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે તેઓ લખે છે, “બ્લોગજગતના સાંપ્રત ડહોળાયેલા વાતવરણની અસર રૂપે જન્મેલી આ હઝલ તમને રવાના કરું છું. આશા છે માણવી ગમશે. શક્ય છે આ હઝલના અમુક અશઆર ચોક્ક્સ પ્રકારના બ્લોગ/બ્લોગર જૂથોને લાગુ પડતા હોય એમ બનવાનો પૂરો સંભવ છે આથી સહુને બંધબેસતી પાઘડી પહેરવાની છૂટ છે.”
બ્લૉગજગતને તીરે (નાળે) તીરે (નાળે) – પંચમ શુક્લ
આ જોડણી, આ કોષને પૂંઠે દબાવી દઉં,
વાચાળ-ને-ખામોશને પૂંઠે દબાવી દઉં.
અકરાંતિયા માફક મળે તે ઝટ ગટર ઓરું,
હર સ્વાદના સંતોષને પૂંઠે દબાવી દઉં.
આ બોલનારા એમ ભસનારા કરડનારા,
નપુસંક સહુના રોષને પૂંઠે દબાવી દઉં.
મણમણની સોફાવ્યાં છતાં હૈયે નથી ટાઢક,
દિવેલ દઈ આક્રોશને પૂંઠે દબાવી દઉં.
આનંદથી, થઈ બેફિકર, ગમતું ઘસે રાખું,
આ સાર્થ-ઊંઝા દોષને પૂંઠે દબાવી દઉં.
આ શબ્દની બેઠક ઊપર બેઠા પછી હરરેક-
મસૃણને ને ઠોસને પૂંઠે દબાવી દઉં.
હું એમ સમલૈંગિક ચુંબનની ઘડી ઉજવું,
મુજ ઓષ્ઠ પરના ગ્લૉસને પૂંઠે દબાવી દઉં.
એ પાર્વતીનું શવ લઈ તાંડવ રચે પહેલા,
નટરાજ આસુતોષને પૂંઠે દબાવી દઉં.
૨૦-૪-૨૦૧૦
(શબ્દાર્થ: મસૃણ = કોમળ, સુંવાળું, મુલાયમ)