જિંદગીના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય તો તમે શું કરો

આ જીવન તો રૈનબસેરા છે, એક રાતનો મુકામ છે અને આજે આવ્યા છીએ તો કાલે જવાનું જ છે એવી ફિલસૂફીઓ બહુ થઈ.

વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની હોય તો બાકીની આવરદામાં તમે શું કરો? હજુ કેટલાં વર્ષ જીવવું પસંદ કરો? દીકરી એસ.એસ.સી. થઈ જાય ત્યાં સુધી? દીકરો પરણી જાય ત્યાં સુધી? દીકરાને ત્યાં પારણું બંધાય ત્યાં સુધી? દીકરાને ભણવા માટે અમેરિકા મોકલવાનું સપનું હતું. ના જામ્યું. દીકરાનો દીકરો પ્રિન્સટન યુનિવર્સિટીમાં ભણીને ડિગ્રી લે ત્યારે એના કોન્વોકેશન ફંકશનમાં જવું છે.

ભગવાન ત્રાસી જાય ત્યાં સુધી તમે મૃત્યુને મુલતવી રાખવા માગો છો. એટલે હવે નક્કી એવું થયું છે કે જીવવા માટે તમારી પાસે પૂરા ત્રીસ દિવસ, રોકડા સાતસો વીસ કલાક બાકી છે. ત્રીસ દિવસ પછી છાપામાં તમારી છબી સાથે ફૂલ ગયું ફોરમ રહી ગઈવાળી જાહેરખબર આપવાનું તમારા ભાગ્યમાં લખાઈ ગયું છે. તો હવે આ ત્રીસ દિવસમાં તમે શું શું કરો?

જિંદગીના અંતિમ દિવસોમાં તમને કોને કોને મળી લેવાનું મન થાય? કોના કોનાથી છૂટા પડી જવાનું મન થાય? કયા દોસ્તો સાથે મેહાગની લાઉન્જના સોફામાં બેસીને એન્ટિક્વિટીના ચાર કડક પેગ પીવાનું પસંદ કરો? કોની જોડે ગંગોત્રી-યમુનોત્રીની યાત્રાએ જાવાનું મન થાય?

કયાં ત્રણ પુસ્તકો ફરીથી વાંચી લેવાનું મન થાય? જિંદગીમાં ક્યારેય ન વાંચ્યાં હોય પણ વાંચવાની વારંવાર ઈચ્છા થઈ હોય એવાં કયાં ત્રણ પુસ્તકો વાંચી લેવાનું મન થાય? જિંદગીની છેલ્લી કઈ ચાર ફિલ્મો જોઈ લેવાની લાલચ થાય? છેલ્લા મહિનામાં કેટલી વાર બાબુલનાથની પાણીપૂરી ખાવા જાઓ? પાણીપૂરીવાળાને તમારું ખાતું બંધ કરવાનું કહીને બાકી નીકળતી રકમ રોકડી ચૂકવી દેતાં મનમાં સહેજ ચુભન થાય? પાણીપૂરીવાળો તમારી પાસે ખાતું બંધ કરવાનું કારણ પૂછે તો તમે શું કારણ આપો? સાચેસાચું કહી દો? મરતાં પહેલાં કિસી રાહ મેં કિસી મોડ પર કહીં ચલ ના દેના તૂ છોડકર અને વો ભૂલી દાસ્તાં લો ફીર આ ગઈ કેટલી વખત સાંભળી લો? લાકડાથી બળવું છે કે વિદ્યુત ભઠ્ઠીમાં એનો વિકલ્પ નક્કી કર્યા પછી ભૂંજેલી બદામનો આઈસક્રીમ ખાઓ કે અંજીરનો?

રોજ સવારનાં છાપાં વાંચો? સાંજનાં છાપાં વાંચો? વાંચતી વખતે તમારી મરણનોંધમાં કઈ ત્રણ સગાઈઓનો ઉલ્લેખ હશે એની કલ્પના કરો? જે સગાંનો ઉલ્લેખ નહીં હોય એમાંથી તમને કોણ યાદ આવે? જે વહાલાંનો ઉલ્લેખ નહીં હોય એમાંથી કોણ કોણ યાદ આવે? પ્રાર્થનાસભામાં  ચંદનની અગરબત્તી જલાવવી કે કેવડાની એ વિશે કોને સૂચના આપતા જાઓ?

લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશનને છેતરી લેવાના ઈરાદાથી એકાદ તગડી રકમનો વીમો ઊતરાવી પ્રીમિયમનો પ્રથમ હપ્તો ભરીને રસીદ ઓશીકાની નીચે મૂકી રાખો? તમારા વારસદારમાંથી તમારી પત્નીને કે તમારાં સંતાનોને આ રકમ મળશે ત્યારે એમને છૂપો આનંદ થશે એવું વિચારીને તમને છૂપો વિષાદ થશે?

છેલ્લા ત્રીસ દિવસમાં તમે કોની કોની માફી માગવાનું પસંદ કરો? કઈ કઈ બાબતો માટે પસ્તાવો વ્યક્ત કરો? તમારા શહેરનાં કયાં ક્યાં સ્થળોની પુનઃમુલાકાત લેવાનું પસંદ કરો? બહારગામનાં કયાં સ્થળોએ જઈ આવવાનું નક્કી કરો? સાથે કોને કોને લઈ જાઓ?

ત્રીસ દિવસ પછીની તમારી યાત્રામાં તમને છૂટ આપવામાં આવે તો સાથે કોને કોને લઈ જવાનું પસંદ કરો? તમને છેતરી જનારા, તમારી સાથે દગાબાજી કરનારા, તમારી આડે આવનારા લોકોને કે પછી તમારા મનગમતા લોકોને? તમારા દુશ્મનોને તમે માફી બક્ષી દો કે પછી જૂના ઘા ખોતર્યા કરીને સૈફ પાલનપુરીની ગઝલ ગાતા રહો: જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી’તી/બહુ થોડાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં. આ અંગત નામો તમારી શોકસભા વખતે માઈક સાથે મંચ પર બેઠાં હશે એવી તમને ખાતરી હોય તો તમે ભૂત બનવાનો વિકલ્પ પસંદ કરી એમને રંજાડવાની કોશિશ કરો?

રેલ્વેનો પાસ વીસ દિવસ પછી ખલાસ થતો હોય તો નવી સિઝન ટિકિટ કઢાવો કે છૂટક ટિકિટ માટે રોજ લાંબી લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરો? ઓગણત્રીસમાં દિવસે પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા ગયા હો ત્યારે ગાડીમાં દર વખતની જેમ ફુલ ટૅન્ક ભરાવો કે પાંચ-દસ લિટરથી ચલાવી લો? ચંપલની પટ્ટી તૂટી જાય તો મોચીને બે રૂપિયા આપીને સંધાવી લો કે મોટા શોરૂમમાં જઈને અત્યાર સુધી જેનું માત્ર વિન્ડો શૉપિંગ કર્યું હતું એવા મનગમતા ચંપલની જોડ ખરીદી લાવો?

હવેથી રોજ કેટલા કલાક સૂવાનું નક્કી કરો? રોજ રાત્રે સૂતી વખતે સોસાયટીમાં કોઈકના ઍસેમ્બલ્ડ અને ખખડધજ ઍરકંડિશનરનો ખટારા જેવો અવાજ સાંભળીને એ પાડોશી જોડે મધરાતે ઝગડવા જાઓ કે પછી હશે, હવે કેટલા દિવસ…

આ તમામ સવાલોના જવાબ મનોમન આપજો, લખીને રાખી મૂકતા નહીં. ભૂલેચૂકે ઘરમાં કોઈના હાથમાં આવી જશે તો માની લેશે કે તમારું ચસકી ગયું છે અને પૂના, થાણા કે મરોલી જ્યાંની ઈસ્પિતાલમાં જગ્યા હશે ત્યાં દાખલ કરાવી દેશે અને વર્ષો સુધી તમારે તમારી મૂર્ખાઈનું પરિણામ ભોગવ્યા કરવું પડશે. આફ્ટર ઑલ, હજુ તો ખૂબ લાંબું જીવવાનું છે તમારે.

-સૌરભ શાહ, ‘પ્રિય જિંદગી’

  2 Responses to “પ્રિય જિંદગી – સૌરભ શાહ”

  1. સૌરભ,
    કેટ્લી બધી વસ્તુઓ વિચારવાની છે અને કરવાની છે. મને લાગે છે ત્રીસ દિવસ ઓછા
    પડ્શે. આ બધી જંજટોથી તો માણસ થાકેલુ હોય,કંટાળેલુ હોય એટ્લે તે મૃત્યુની ઘડીયો
    ગણ્યા સિવાય ક્શુ ન કરી શકે.આધ્યાત્મિક માર્ગ ઉપર હશે તે ભગવાન સિવાય કોઇનો
    વિચાર નહી કરે.ફ્ક્ત શ્રી હરિ.

  2. “ફુલ ગયું ફોરમ રહી ગઇ”

    આ વાક્ય ગમ્યું….

    any way Happy Birthday

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME