Aug 312009
 

પુણેમાં સ્વાઈન ફ્લુને કારણે ઘણા શુભ પ્રસંગો મુલત્વી રાખવા પાડ્યા પણ જેને પરણવા ઉપડ્યો હોય તેને બીજો કોઈ ‘વા’ ન નડે, આ જુઓ:

ઈન્ટરનેટ પર ફરતા આ ‘રમૂજી’ ચિત્રને ફનએનગ્યાન.કોમ માટે મોકલવા માટે શ્રી અરવિંદભાઈ પટેલ (યુકે)નો આભાર.

Aug 252009
 

પ્રિય મિત્રો,

તાજેતરમાં વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટે એક નવો થીમ ઉમેરવામાં આવ્યો છે: સેન્ડબોક્ષ ૧.૬.૧

આમ તો આ જુનો ને જાણીતો થીમ છે (ઘણા સમયથી પંચમ શુક્લના બ્લોગ પ્રત્યાયન પર શોભી રહ્યો છે) પણ તેનું નવું સંસ્કરણ બહાર પડ્યું છે. જુનું સંસ્કરણ પણ જેમનું તેમ છે. જેઓ સેન્ડબોક્ષનું જુનું સંસ્કરણ વાપરે છે તેઓ તે વાપરી શકશે, અપગ્રેડ કરવા માટે થીમ બદલાવવો પડશે (ટૂંકમાં જાતે અપગ્રેડ નહીં થાય).

સેન્ડબોક્ષ થીમ વર્ડપ્રેસ બ્લોગ્સ માટે પાયાનો અને માળખાકીય થીમ છે. દેખાવે એકદમ સરળ અને સ્વચ્છ થીમ છે. રંગોની તેમજ અન્ય ભરમાર ઓછામાં ઓછી છે પણ ડેવલપર માટે બહુ જ કામનો થીમ છે. જેને સ્ટાઈલશીટ કેવી રીતે કામ કરે તે શીખવું હોય તેના માટે આ બહુજ કામનો થીમ છે. જેને પોતાનો થીમ બનાવવો હોય તેના માટે આ થીમ એક ‘કેનવાસ’ છે.

નવું શું છે? થીમ પર નજર કરતાં જ દેખાતી નવી સુવિધા નેવિગેશન માટેના મેનુબારની છે.

Aug 242009
 

પ્રિય મિત્રો,

મધ્યપ્રદેશથી પુણે આવી ગયો પણ ત્યાં બોલાયેલી/સાંભળેલી શુદ્ધ હિન્દી ભાષાનો પ્રભાવ હજી ઉતર્યો નથી એટલે મથાળું હિન્દીમાં બંધાઈ ગયું.

નાદુરસ્ત તબિયત સાથે આડીઅવળી વાતોમાં પડ્યા વગર સીધો મુદ્દાની વાત પર આવું તો આજથી બરાબર દસ વર્ષ પહેલાં ‘બ્લોગ‘ શબ્દ ચલણમાં આવ્યો હતો. આમ તો ‘વેબ લોગ’ શબ્દ થોડો વહેલો, ડિસેમ્બર ૧૯૯૭માં, જ્હોન બાર્ગરે વાપર્યો હતો. તે પછી ૧૯૯૯ની શરૂઆતમાં પીટરે વેબ લોગ(web log)ને જરા અલગ રીતે લખવાનું શરૂ કર્યું, ‘વી બ્લોગ’ (we blog). અંતે ૨૩ ઑગસ્ટ ૧૯૯૯માં ‘પ્યારા લેબ્સે‘ વિધિવત ‘બ્લોગર.કોમ’ નામની સાઈટ શરૂ કરી. જેને ખુબ પ્રસિદ્ધિ મળી અને પછીથી ગૂગલે ખરીદી લીધી તે બ્લોગર.કોમ આજે ૧૦ વર્ષ પુરા કરે છે.

બ્લોગર.કોમ પર દરરોજ દર મિનિટે બે લાખ સિત્તેર હજાર શબ્દો લખાય છે, વિશ્વભરમાં ફેલાયેલા અબજો લોકો બ્લોગર પર બ્લોગ ધરાવે છે.

તમને ખબર છે બ્લોગર.કોમ અને ટ્વિટર.કોમમાં શું સામ્ય છે? બ્લોગર.કોમ રજુ કરનાર પ્યારા લેબ્સના સહસ્થાપક ઈવાન વિલિયમ એજ ટ્વિટરના સહસ્થાપક.

ગુજરાતીમાં બ્લોગની શરૂઆત ક્યાંથી થઈ/કોણે કરી તે વિશે ફરી ક્યારેક.

Aug 152009
 

પ્રિય મિત્રો,

આજકાલ સમયને અભાવે અન્ય બ્લૉગ્સની મુલાકાત લેવાનું ઓછું થઈ ગયું છે. હમણાં અચાનક રીડગુજરાતીની મુલાકાત લેતાં સુખદ આશ્ચર્ય જોવા મળ્યું. મૂળ અંગ્રેજી લખાણ પરથી ગુજરાતી ભાવાનુવાદ કરીને ‘કેટલીક સાચી વ્યાખ્યાઓ‘ના નામે અહીં જે પોસ્ટ બનાવી હતી તેમાંથી ગુજરાતી પુસ્તકો સુધીની વ્યાખ્યાઓ રીડ ગુજરાતી પર તરંગ હાથીના સંકલનમાં પ્રસિદ્ધ થઈ છે.

અવનવી વ્યાખ્યાઓ - રીડગુજરાતી

આ વ્યાખ્યાઓનું ભાષાંતર કરતી વખતે બહુ મજા આવી. ખાસ કરીને શબ્દકોષની વ્યાખ્યાનું ભાષાંતર કરતી વખતે. “Dictionary : A place where success comes before work” નું ગુજરાતી ‘શબ્દકોષ – જ્યાં સફળતા મહેનતની પહેલા આવે છે’ કરતાં તો કરી નાખ્યું પછી ખ્યાલ આવ્યો, આ વાક્ય તો ખોટું છે. શબ્દકોષમાં કક્કા પ્રમાણે ‘મહેનત’ પહેલા આવે અને ‘સફળતા’ છેક છેલ્લે. બહુ વિચાર કર્યા પછી શબ્દકોષની મૌલિક વ્યાખ્યા બનાવી, “શબ્દકોષ – એક એવી જ્ગ્યા જ્યાં ઈનામ હરીફાઈની પહેલા, પગાર હાજરીની પહેલા અને પરિણામ પરીક્ષાની પહેલા આવે છે!” આમ આ લેખ ભાષાંતર હોવા છતાં મૌલિક છે!

ઉઠાંતરી પર નભતા લગભગ દરેક ‘પરોપજીવી’ બ્લોગ પર આ વ્યાખ્યાઓ જોવા મળશે. કોઈએ સ્ત્રોત દર્શાવવાની દરકાર કરી નથી. (માંડ બ્લોગને ઓટલે ચડેલો વાચક લિન્ક પરથી બીજા બ્લોગ પર ચાલ્યા જવાનો ભય હશે?) ફનએનગ્યાન.કોમ પરના ઘણા લેખ ‘લોક સાહિત્ય’નો દરજ્જો પામ્યા છે, વિગતે આવતીકાલના લેખમાં વાત કરીશું.

તરંગભાઈ હાથી ફનએનગ્યાનના વાચક છે અને તેમની કોમેન્ટ્સ પણ મળી છે.

તા.ક. વ્યાખ્યાઓ અને તેની ઉપરની કોમેન્ટ્સ રીડ ગુજરાતી પરથી હટાવી લેવામાં આવી છે.

Aug 142009
 

પ્રિય મિત્રો,

ગયા પખવાડિયે આપણે અલગ અલગ થીમનો પરિચય કર્યો અને તાજેતરમાં આપણે આપણો મત આપીને ફનએનગ્યાન.કોમ માટેનો થીમ પસંદ કર્યો. ત્યાં જ ગઈ કાલે સમાચાર આવ્યા કે વર્ડપ્રેસ (પર હોસ્ટ થયેલા) બ્લોગ માટે એક નવો થીમ વર્ડપ્રેસ તરફથી ઉમેરાઈ રહ્યો છે: iNove.

એમજી ૧૨નો આ થીમ બહુ બધા સેલ્ફ હોસ્ટેડ બ્લોગ (ગુજરાતીમાં નિપ્રા બ્લોગ એગ્રીગેટર અને રણકાર બ્લૉગ) વાપરે છે. લોકલાગણીને માન આપીને હવે આ થીમ જેમના બ્લોગ વર્ડપ્રેસ પર હોસ્ટ થયેલા છે તેમના માટે પણ ઉપલબ્ધ છે. ટૂંકમાં હવે આ થીમ સેલ્ફ હોસ્ટેડ અને વર્ડપ્રેસ હોસ્ટેડ બંને ટાઈપના બ્લોગ માટે ઉપલબ્ધ છે.

આ થીમમાં હેડરની નીચે ‘વિભાગો’ અથવા ‘પાનાંઓ’ મૂકવાનો વિકલ્પ છે. આ થીમમાં નોટિસ, બેનર, વિજેટ વગેરેની ખાસ વ્યવસ્થા છે. દરેક પોસ્ટ પર લેખકનું નામ, લેખનો વિભાગ અને લેખના ટેગ્સ મૂકવા કે નહીં તે નક્કી કરી શકાય છે. થીમ સેટિંગ માટેનું એક અલગ પાનું ફાળવવામાં આવ્યું છે.

વધુ શું કહું જાતે જોઈ લો!

Powered By Indic IME